Skip Navigation | Accessibility

information, advice, guidance and learning materials in community languages

સ્વાસ્થ્ય વિશે જાગ્રતતા
Health Awareness

સ્વાસ્થ્ય વિશે જાગ્રતતા

સ્વાસ્થ્ય વિશેની જાગ્રતતા એટલે પોતાના શરીરના રૂપરંગ વિશે સભાન રહેવું, પોતાના શરીર માટે શું સ્વાભાવિક છે તેથી વાકેફ રહેવુ અને કાંઇ ફેરફાર થાય તો એ બાબતની નોંધ લેવી.

કેવા કેવા સંકેતો અને લક્ષણો વિશે તકેદારી રાખવી એનું માર્ગદર્શન આ પત્રિકામાં આપેલ છે.

કાંઈ ફેરફાર થાય કે કોઈ લક્ષણ દેખાય તો એ કેન્સરની નિશાની ભાગ્યે જ હશે. હકીકતમાં તો એની પાછળ કોઈ મોટું કારણ નહીં હોય અને એમાંના અમુક તો રહેશે પણ નહીં.

પણ જો આવા ફેરફાર કે લક્ષણો 2 વીકથી વધારે રહે અને કાંઈ સુધારો ન જણાય તો સત્વરે ડૉક્ટરને મળી ચેક કરાવી લેવું.

દર્દ કે પીડા થવાની રાહ ન જોવી કેમ કે સાધારણ રીતે કેન્સરની શરૂઆતમાં દર્દ કે પીડાનો અભાવ હોય છે.

વહેલું નિદાન અને ઝડપી ઈલાજ થાય તો બચવાની ઘણી શક્યતા હોય છે.

નીચેની કોઈ બાબત લાગુ પડે તો તમને કેન્સર થવાનો ખતરો વધુ રહે છે:

  • કુટુંબના પૂર્વજોમાં કેન્સરનું પ્રસરણ
  • સિગારેટ કે શીશા જેવા તમાકુના પદાર્થોનું સેવન, અત્યારે યા ભૂતકાળમાં.
  • દારૂ પીવાની ટેવ.
  • વધુ પડતી ચરબી વાળો ખોરાક.
  • ક્ષ-કિરણો તેમ જ તડકામાં વધુ વખત રહેવાથી લોહિતોત્તર (અલ્ટ્રા-વાયોલેટ) કિરણો – આ કિરણોત્સર્ગનો વધુ પડતો સંપર્ક. ટૅનીંગ બેડ (ચામડીને તામ્રવર્ણી બનાવવા માટેના ખાસ પલંગ) યા સનલેમ્પ (કૃત્રિમ સૂર્યકિરણ ઉપજાવનાર યંત્ર) નો ઉપયોગ. તડકામાંથી મળતા લોહિતોત્તર કિરણો કરતાં ટૅનીંગ બેડના કિરણો વધુ તીવ્ર હોવાથી એ વધુ નુકસાનકારક બની શકે છે.
  • વ્યવસાય થકી ધાતુઓ કે જંતુનાશક દવાઓ જેવા રસાયણોનો સંપર્ક; ઉદાહરણ તરીકે એસ્બેસ્ટોસ, નિકલ, કેડમિયમ, યુરેનિયમ, બેનઝીન.

કયાલક્ષણોવિશેતકેદારીરાખવી

સંડાસ-પેશાબની હાજતમાં ફેરફાર: સખત કબજીયાત, ઝાડા, મળના કદમાં ફેર, પેશાબ કરતી વખતે પીડા, પેશાબ સાથે લોહી પડવું યા મૂત્રાશયની કામગીરીમાં ફેર – આ બધા ચિહ્નો માટે નજર રાખવી.

શરીરમાં ગમે ત્યાં અથવા મોંની અંદર ન રૂઝાય એવા વ્રણ કે ગૂમડા: મોઢામાં હઠીલા વ્રણ માટે સભાન રહેવું, ખાસ કરીને તમે જો ધૂમ્રપાન કરતા હો, તમાકુનું સેવન કરતા હો યા અતિશય મદ્યપાન કરતા હો તો. ઉપરાંત, લાંબા સમય સુધી ન મટતા ફોલ્લા-ફોલ્લી કે સોજા, હોઠ ઉપર યા મોઢાની અંદર ન રૂઝાતા ચીરા, ચાંદા કે ગાંઠ, યા મોઢાની અંદર હઠીલા સફેદ કે લાલ ડાઘ – આ બધા માટે સભાન રહેવું.

અઘટિત લોહી પડવું ઘા સ્રાવ થવો: થૂંકમાં, મળમાં (મળ ઘેરા રંગનો કે કાળા રંગનો હોય) યા પેશાબમાં લોહી પડે, અથવા સ્તનની ડીંટડીમાંથી લોહીયુક્ત સ્રાવ થાય તે વિશે તકેદારી રાખવી.

શરીરમાં કોઈ જગાએ ઘટ્ટ થઈ જાય યા અઘટિત ગાંઠ-સોજા દેખાય: સ્તનમાં, વૃષણમાં તથા લિમ્ફ-ગ્રંથીઓમાં ગોળાઈ વાળા, ખંજન જેવા યા ઘટ્ટ સોજા થાય યા સ્રાવ થાય અથવા રૂપરંગમાં કાંઈ ફેર પડે તે બાબત સચેત રહેવું. ઘણા ખરા ગાંઠ-સોજા ફક્ત ચાંદા/ફોલ્લા જેવા હોય છે અને કેન્સરમાં નથી પરિણમતા.

કબજીયાત યા અન્ન ગળે ઉતારવામાં મુશ્કેલી: ઘન યા પ્રવાહી પદાર્થ ગળે ઉતારવામાં મુશ્કેલી પડે કે પીડા થાય તે વિશે સચેત રહેવું.

કોઈ લાખું કે મસો હોય તેમાં દેખીતો ફેરફાર: નવા લાખા (ચામડી ઉપર યા અન્ય અંગમાં નાના ગૂમડાં જેવું ઉપસી આવે) માટે જોતા રહેવું, તેમ જ જૂના લાખામાં કાંઈ ફેરફાર થાય – સુજી જાય, રંગ ફરી જાય, કદમાં વધી જાય, ચળ આવવા માંડે, લોહી પડવા માંડે – તે માટે પણ સચેત રહેવું.

કાયમ સતાવતી ઉધરસ યા ઘોઘરાપણું: ઉધરસ આવે ત્યારે સખત પીડા થાય યા લીંટ/કફમાં લોહી પડે તે માટે જોતા રહેવું.

વજનમાં અકારણ ઘટાડો: કોઈ કારણ વગર (ઈરાદા વગર) વજનમાં 10 રતલ જેટલા ઘટાડો થાય તો વજન ચેક કરતા રહેવું.

તાવ યા પરસેવે રેબઝેબ કરી નાખતી રાત: શરીરનું તાપમાન 38 ડિગ્રી સેન્ટીગ્રેડથી ઉપર હોય, તમે લોથપોથ રહેતા હો અને શરદી/ફ્લુ જેવા ચેપી રોગનો પ્રતિકાર કરવાની તમારી શક્તિ મંદ હોય, તો તાપમાન ચેક કરતા રહેવું.

થકાવટ/સુસ્તી: કાયમ થાક અને સુસ્તી જણાય તે માટે ચેતવું.

દર્દ/પીડા: હાડકામાં કે શરીરના અંગોમાં સખત પીડા થાય તે માટે ચેતતા રહેવું.

ત્વચા/ચામડીમાં ફેરફાર: ચામડી કાળી, પીળી કે લાલ પડી જાય યા ચળ આવે તે માટે ચેતતા રહેવું.

શિરદર્દ: બજારમાં મળતી સામાન્ય દવાઓથી પણ સારૂં ન થાય એવું સખત શિરદર્દ તેમ જ અસાધારણ પ્રકારની ઊલટી વિશે સચેત રહેવું.

કેન્સરને લગતી હકીકતો

  • અગાઉની સરખામણીમાં અત્યારે ઘણા વધારે લોકો કેન્સરમાંથી ઊગરી જાય છે કારણ કે વહેલી તકે નિદાન થાય છે અને ઈલાજમાં સુધારા થયા છે.
  • કઈ કઈ બાબતો વિશે સભાન રહેવું એ જાણવાથી કેન્સરનું વહેલાસર નિદાન વધુ શક્ય બને છે.
  • પોતાના શરીરને સારી રીતે જાણવું અગત્યનું છે, જેથી કોઈ પણ ફેરફાર થાય તો ધ્યાનમાં આવે અને 2 વીકથી વધારે વખત સુધી ચાલુ રહે તો ડૉક્ટરને મળી લેવાય.
  • જનતામાંથી એક તૃતીયાંશ લોકોને જીવનમાં ક્યારેક પણ કેન્સરનું નિદાન થશે.
  • ઘણાં ખરા – અલબત્ત, તમામ તો નહીં જ – કેન્સર 60 વર્ષથી ઉપરની વયના લોકોને થાય છે. અમુક કેન્સર, જેમ કે વૃષણનું કેન્સર 35 વર્ષથી નાની વયના પુરૂષોને થાય છે. 14વર્ષથી નાની વયની વ્યક્તિઓ પણ કેન્સરનો ભોગ બની શકે છે.
  • કેન્સરના 200 થી વધારે વિવિધ પ્રકારો હોય છે અને એના અનેક વિવિધ લક્ષણો હોય છે.

સલાહ

  • ધૂમ્રપાન ન કરો.
  • પીણા લેવામાં સંયમ રાખો. અતિશય મદ્યપાન ના કરો.
  • ફળ, શાકભાજી અને રેસાયુક્ત ખોરાક વધારે પ્રમાણમાં લો.
  • પ્રવૃત્તિમય રહો. વજન બહુ વધવા ન દેશો.
  • તડકામાં હો ત્યારે સુરક્ષિત રહો. લૂ ન લાગવા દેશો.
  • રસાયણોહાથ ધરવામાં કાળજી લેશો. સ્વાસ્થ્ય અને સુરક્ષા સંબંધી સૂચનાઓનું અનુસરણ કરો.
  • શરીરની ચકાસણી કરાવો. શરીરમાં કાંઈ પણ ફેરફાર થાય તો ધ્યાનમાં લો.
  • શરીરની ચકાસણી નિયમિત કરાવતા રહો.

વધારે સલાહ, માહિતી અને સહારા માટે

24 ક્લાક ગમે ત્યારે NHS DIRECT (એનએચએસ ડાયરેક્ટ)નો સંપર્ક કરો 0845 46 47

www.nhsdirect.co.uk

ડિજીટલ TV (ટીવી)

ધી આફિયા ટ્રસ્ટ

‘ધી આફિયા ટ્રસ્ટ’ એક રાષ્ટ્ર જોગી સખાવતી સંસ્થા છે. એનો ધ્યેય છે “વર્ણીય ભેદભાવના ભોગ બનેલ જનસમુદાયોને સ્વાસ્થ્ય અને સામાજિક કાળજીના ક્ષેત્રમાં નડતી અસમાનતાનું નિવારણ”.

એના આયોજન:

બ્લેક એન્ડ માઈનોરિટી એથનિક (BME) કેરર્સ નેટવર્ક, બ્લેક એન્ડ માઈનોરિટી એથનિક (BME) મેન્ટલ હેલ્થ, કેન્સર ઈન્ફોર્મેશન પ્રોવિઝન.

સરકારી સંકુલો, સ્વાસ્થ્ય અને સામાજીક કાળજી પૂરી પાડનાર સંકુલો તેમ જ સ્વાશ્રયી ક્ષેત્ર સાથે આ સંસ્થા ભાગીદારીમાં આગળ પડતું કામ કરે છે.

કેન્સર વિશે જાગ્રતતા લાવવા માટે અને કેન્સરથી બચવા માટે, કેન્સર વિશે માહિતી બહાર પાડવામાં ‘કેન્સર ઈક્વાલિટી’ અશ્વેત અને લઘુમતિ સમુદાયો સાથે મળીને કામ કરે છે. કેન્સરને લગતી સેવાઓ ઉપલબ્ધ કરવા માટે તથા વિકસાવવા માટેની સંસ્થાઓ સાથે આ સંસ્થા ભાગીદારીમાં કામ કરે છે જેથી અશ્વેત અને લઘુમતિ કોમોની જરૂરિયાતો ઉપર પ્રકાશ પાડી શકાય.

“હેલ્થ અવેરનેસ (સ્વાસ્થ્ય વિશે જાગ્રતતા)” નામની આ પત્રિકા અસલમાં ધી આફિયા ટ્રસ્ટ માટે સ્વાસ્થ્ય મંત્રાલય (ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ) ના સહયોગ વડે તૈયાર કરેલ હતી.

The Afiya Trust, BME Cancer Awareness, 27-29 Vauxhall Grove, London, SW8 1SY

Tel: 020 7582 0400, Fax: 020 7582 2552

http://www.afiya-trust.org