Skip Navigation | Accessibility

information, advice, guidance and learning materials in community languages

પોસ્ટ-નેટલ ડિપ્રેશન (પ્રસૂતિ બાદનું ડિપ્રેશન)
Post Natal Depression

Post Natal Depression

A Self Help Guide

“હું ઘણી વખત રડી પડું છું. હું કોઇ વ્યવસ્થિત આયોજન કરી શકતી નથી, કેટલાં બધાં કામ પાર પાડવાના છે. મને લાગે છે કે મા તરીકે હું સાવ નિષ્ફળ રહી છું.”

“હું કોઇ નિર્ણય લઇ શકતી નથી. મારા મનમાં કાંઇ કેવાય વિચારો ઘોળાયા કરે છે, અને બધાં સાથે હું ચિડાતી રહું છું. મારે ખુશ રહેવું જોઇએ, પણ હકીકતમાં મને તો ગ્લાનિ ઊપજે છે.”

“બેબીનું રડવાનું ચાલુ જ હોય છે અને હું એને શાંત નથી પાડી શકતી. મને એમ લાગ્યા કરે છે કે હું છેક નિષ્ફળ રહી છું, ક્યારેક ગુસ્સો પણ આવે. કોઇ ભારે ગુનો કર્યો હોય એવું મને લાગ્યા કરે છે. ગમે તેમ પણ બેબીનો વાંક તો નથી જ, મારો જ વાંક હશે.”

“મારો આત્મવિશ્વાસ તદ્દન હણાઇ ગયો છે. મારા દીદારમાં દમ નથી અને મારૂં મન પણ ખાટું પડી ગયું છે.”

આ માર્ગદર્શિકા મને કેવી રીતે મદદ કરશે?

દસ ટકાથી વધારે સ્ત્રીઓ સુવાવડ બાદ આ પોસ્ટ-નેટલ ડિપ્રેશન નામની પીડાદાયક હાલતની ભોગ બનતી હોય છે. પોસ્ટ-નેટલ ડિપ્રેશનથી પીડાતી સ્ત્રીઓને આવતા વિચારો તેમ જ તેમની ભાવનાઓના અમુક ઉદાહરણો ઉપર આપેલ છે.

પોસ્ટ-નેટલ ડિપ્રેશનથી પીડાતી સ્ત્રીઓ તેમ જ તેમના મિત્રો અને કુટુંબીઓ માટે આ પુસ્તિકા છે.

આ પુસ્તિકા નીચે બતાવેલ મુદ્દાઓને આવરી લે છે:

  • તમને ખરેખર પોસ્ટ-નેટલ ડિપ્રેશન છે કે કેમ એ નક્કી કરવામાં તમને મદદ કરશે
  • પોસ્ટ-નેટલ ડિપ્રેશન શા કારણથી થાય છે એની સમજણ આપશે
  • તમે જાતે શું ઉપાય કરી શકો એ માટે રસ્તો સુઝાડશે
  • અને બીજે ક્યાંથી મદદ અને સહારો મળી શકે એ વિષે સૂચન કરશે

મારૂં ડિપ્રેશન એટલું ગંભીર હોય કે મને વાંચવાનું પણ ના ઉકલે તો શું કરવું?

તમને ડિપ્રેશન હશે તો કદાચ કોઈ વાતમાં મન નહીં પરોવી શકતા હો, અરે આ પુસ્તિકા વાંચવામાં પણ મન નહીં લાગે! એમાંનું લખાણ તમને કદાચ વધુ લાંબુ યા સમજવામાં અઘરૂં લાગતું હશે? ચિંતા ના કરશો. અહીં ઘણી માહિતી આપેલ છે, એટલે થોડી થોડી ગ્રહણ કરતા જાવ. કયાંક કયાંક સમજવામાં અઘરૂં લાગે તો હેલ્થ વિઝિટર કે ફૅમિલી ડૉક્ટરની સલાહ લો, અથવા થોડી સ્વસ્થતા આવે ત્યારે ફરીથી જોઇ જાવ. આ પુસ્તિકા તમને કાઉન્સેલર (રૂબરૂ સલાહ આપનાર) યા કોઇ ચિકિત્સક પાસેથી મળી હોય તો વાંચવામાં એની મદદ લેવી ઠીક પડશે.

પોસ્ટ-નેટલ ડિપ્રેશન શું છે?

બાળકને જન્મ આપ્યા બાદ થતું એક પ્રકારનું ડિપ્રેશન એ જ પોસ્ટ-નેટલ ડિપ્રેશન (ટૂંકમાં એને પીએનડી કહે છે). ડિપ્રેશન ક્યારેક સગર્ભાવસ્થા દરમ્યાન પણ ચાલુ થઇ જાય છે, પણ જો તે પ્રસૂતિ બાદ પણ ચાલુ રહે તો જ એને પોસ્ટ-નેટલ ડિપ્રેશન કહેવાય છે.

પોસ્ટ-નેટલ ડિપ્રેશન આમ તો એક સર્વ-સામાન્ય બિમારી છે જે સુવાવડ પછી દસથી પંદર ટકા સ્ત્રીઓને લાગુ પડે છે. અમુક સ્ત્રીઓ મદદ નથી માગતી એટલે સંભવ છે કે ખરો આંક આનાથી વધારે પણ હોય.

‘સામાન્ય’ ડિપ્રેશન અને પોસ્ટ-નેટલ ડિપ્રેશનમાં શું ફરક છે?

પોસ્ટ-નેટલ ડિપ્રેશનના લક્ષણો અન્ય કોઇ ડિપ્રેશનના લક્ષણો જેવા જ હોય છે – જેમ કે, મૂડ બગડી જવો યા સામાન્ય રીતે બરાબર લાગતી હોય તેવી બાબતોમાંથી મન ઊઠી જવું. ફરક માત્ર એટલો જ કે આ ડિપ્રેશનના લક્ષણો સુવાવડ થયા બાદ ત્રણેક માસની અંદર અંદર દેખા દે. જો કે એનાથી મોડું પણ પોસ્ટ-નેટલ ડિપ્રેશન શરૂ થઇ શકે છે, પણ પ્રથમ લક્ષણો જો સુવાવડ પછી એક વર્ષ બાદ દેખા દે તો એ ડિપ્રેશનને પોસ્ટ-નેટલ ડિપ્રેશન ના કહેવાય.

પોસ્ટ-નેટલ ડિપ્રેશન ‘સામાન્ય’ ડિપ્રેશનને મળતું આવે છે એટલે ‘ડિપ્રેશન, એ સેલ્ફ-હેલ્પ ગાઇડ’ અને ‘ડિપ્રેશન, એન ઇન્ફોર્મેશન લીફલેટ’ નામની અમારી પત્રિકાઓ ઉપયોગી નીવડશે. તમારા ચિકિત્સક ને યા ફૅમિલી ડૉક્ટરને આ પત્રિકાઓ વિષે પૂછો.

સારી વાત તો એ છે કે અન્ય ડિપ્રેશનની માફક પોસ્ટ-નેટલ ડિપ્રેશનના પણ અસરકારક ઉપચાર હોય છે, અને ઘણી ખરી સ્ત્રીઓ સંપૂર્ણપણે સાજી થઇ જાય છે.

સ્ત્રીઓને પ્રસૂતિ બાદ અન્ય કોઇ મુશ્કેલીઓનો અનુભવ થાય કે?

મનને અશાંત કરે એવી બે બાબતોનો સ્ત્રીઓને સુવાવડ બાદ ક્યારેક સામનો કરવો પડે છે.

બેબી બ્લુઝ

આ બેમાંથી પહેલી બાબત – જે ‘બેબી બ્લુઝ’ તરીકે ઓળખાય છે – બહુ સર્વ-સામાન્ય છે. ડિપ્રેશનનો આ એક હળવો પ્રકાર છે અને સુવાવડ બાદ ગણતરીના દિવસોમાં જ એ એંસી ટકા જેટલી માતાઓને લાગુ પડે છે. ‘બેબી બ્લુઝ’ની અસર હેઠળ હોય તે સ્ત્રીઓ એકદમ લાગણીપ્રધાન બની જાય છે ક્યારેક કારણ વગર જ આંસુ સારવા લાગશે. નવજાત બાળકની માતાઓ ઘણી વખત ચિંતિત, વ્યાકુળ, તેમ જ થાકેલી રહેશે અને ક્યારેક અનિદ્રાનો ભોગ બનશે.

ડૉક્ટરોનું એમ માનવું છે કે અંત:સ્રાવી ગ્રંથીઓમાંથી નીકળતા રસ (હોર્મોન)માં સુવાવડ સમયે અચાનક ફેરફાર થવાથી ‘બેબી બ્લુઝ’ની અસર જણાય છે, પરંતુ બીજા કારણ પણ હોઇ શકે છે, જેમ કે સુવાવડ વખતની શારીરિક/માનસિક પીડા તેમ જ નવા બાળકના આગમનથી આવનારી ઉથલપાથલ. શક્તિનો પુન:સંચાર કરવા માટે આરામની ખાસ જરૂર પડશે પણ આરામ કરવાનો અવકાશ જ નહીં હોય!

આ ‘બેબી બ્લુઝ’ ફક્ત એક-બે દિવસ માટે જ રહેશે જેમ અચાનક શરૂ થાય છે તેમ એટલી જ ત્વરાથી એ શમી પણ જશે. ‘બેબી બ્લુઝ’ દરમ્યાનની લાગણીઓ જોર પકડે કે વધુ વણસે તો એ કદાચ પોસ્ટ-નેટલ ડિપ્રેશનની શરૂઆત હશે, અન્યથા એના વિષે ચિંતા સેવવી નહીં.

પ્યુઅરપેરલ સાયકોસિસ

સુવાવડ પછી અસર કરતી આ બીજી બાબત ઘણી ઓછી સ્ત્રીઓને લાગુ પડે છે. એને પ્યુઅરપેરલ સાયકોસિસ યા પોસ્ટ-પાર્ટમ સાયકોસિસ કહે છે. હજારમાંથી એકાદ સુવાવડીને આની અસર થાય છે, અને પોસ્ટ-નેટલ ડિપ્રેશન કરતાં એ વધારે કષ્ટદાયક હોય છે. સુવાવડ પછી બે વીકની અંદર આ તકલીફની અચાનક શરૂઆત થાય છે, અને તેનાથી મૂડ તેમ જ વર્તણૂંક એકદમ બગડી જાય છે. પોસ્ટ-પાર્ટમ સાયકોસિસ વાળી સ્ત્રીઓ એકદમ ઉશ્કેરાયેલી અને ગભરાયેલી રહે છે, તથા પોતાને વિષે કે પોતાની બેબી વિષે અકલ્પ્ય અને ચિંતાજનક માન્યતાઓ ઘર ઘાલી જાય છે.

આવી તકલીફ વાળી સ્ત્રીઓ માટે આ પુસ્તિકા નથી. એને મનોચિકિત્સકની વિશિષ્ટ મદદની જરૂર હોય છે અને એણે સત્વરે પોતાના ડૉક્ટર પાસે મદદ માગવી જોઇએ. એના ઉપચાર માટે દવાનો ઉપયોગ થાય તેમ જ એને માટેના ખાસ ‘મધર એન્ડ બેબી યુનિટ’માં રહેવાનું થાય.. પોસ્ટ-પાર્ટમ સાયકોસિસ વાળી સ્ત્રી તેમ જ તેના પરિવાર માટે પરિસ્થિતિ ભલે ભયજનક અને ચિંતાજનક લાગતી હોય, એટલું યાદ રાખો કે એનો ઉપચાર બહુ જ અસરકારક હોય છે અને ઘણાખરા લોકોને બિલકુલ સારૂં થઇ જાય છે.

પોસ્ટ-નેટલ ડિપ્રેશનના શું લક્ષણો હોય છે?

સ્ત્રીઓ ઘણાં ચિહ્નો/લક્ષણો વિષે વાત કરે છે, તેમાંના ઘણાંખરાં નીચે આપેલ છે. નવજાત બાળકને જ્યારે ઘણી સંભાળ તથા કાળજી અને એના તરફ વધારે ધ્યાનની જરૂર હોય તેવે વખતે આવા લક્ષણો લગભગ દુ:સહ બની રહે છે.

પોસ્ટ-નેટલ ડિપ્રેશનના અમુક ચિહ્નો/લક્ષણો અત્રે આપેલ છે.

લાગણીઓ / ભાવનાઓ

  • ઉદાસી, ખેદ તેમ જ નિરાશા
  • રડવાનું વધી જાય, યા રડી જ ન શકાય
  • પોતામાં કાંઇ દમ નથી એમ લાગે
  • મૂડ બદલાયા કરે
  • પોતાનો જ વાંક દેખાયા કરે
  • ઉત્સાહ ન રહે
  • આનંદ/મનોરંજનનો અભાવ
  • બેચેન રહેવું યા બેબાકળા બની જવું અને ચિંતાગ્રસ્ત રહેવું
  • સ્વભાવ ચિડીયો થઇ જાય અને ક્રોધ થયા કરે
  • બેબી તરફ જે લાગણી થવી જોઇએ તે ન થાય

શારીરિક, બાહ્ય લક્ષણો

  • અશક્તિ તેમ જ થકાવટ
  • નિંદ્રામાં ખલેલ
  • કામકાજ પાર પાડવાની ગતિ ધીમી પડી જાય, યા
  • કામકાજ પાર પાડવાની ગતિ વધી જાય, ઉશ્કેરાઇ જવાય અને વિશ્રામ ના લઇ શકાય
  • રતિક્રીડા/મૈથુનમાં રસ ઓછો થઇ જાય
  • ભૂખમાં ફેરફાર – વધુ પડતું ખવાઇ જાય યા એકદમ ઓછું ખવાય

વિચારો – માણસ ડિપ્રેસ થાય ત્યારે નકારાત્મક અને નિરાશાજનક વિચારોમાં એ ‘બાહોશ’ થઇ જાય છે.

  • પોતાની ટીકા કર્યા રાખે – “જનેતા તરીકે હું સાવ નકામી છું”, “મારા દીદાર વાઘરી જેવા છે”, “હું સાવ બેવકૂફ છું કે આ પુસ્તિકા મને સમજાતી નથી”
  • ફિકર ચિંતા થયા કરે – “બેબી બરાબર ખોરાક નથી લેતી”
  • વાત સમજ્યા વગર જ અમુક મત બાંધી લેવો – “મારો જ વાંક છે”
  • બાજી બગડશે જ એવી ધારણા રાખવી – “બધું અવળું ઊતરશે – કાંઇ સરખું પાર પડવાનું નથી”
  • ઉત્સાહભંગ – “બધું નિરર્થક છે. આના કરતાં હું પોતે જ ના હોઉં તો સૌ સારાં વાના થાય”
  • અન્ય માણસો વિષેના વિચારો – “બીજાં બધાંના કામ પાર પડે છે. કોઇને મારી પડી નથી”
  • અને સમસ્ત દુનિયા – “નવા બાળકના અવતરણ માટે આ તે કેવી નરકાગાર જેવી જગા.....”

વિચારધારા – ડિપ્રેશનથી વિચારધારા ઉપર બીજી અસર પણ થાય છે.

  • એકાગ્રતા ન રહે
  • કોઇ વાતમાં નિર્ણય ના લઇ શકાય
  • મૂંઝવતા અને ગૂંચવણભર્યા વિચારોની આંટીઘૂંટી

વર્તણૂક

  • માણસોથી દૂર રહેવું અને ઘરની બહાર ના નીકળવું
  • પહેલા જેમાં આનંદ આવતો તેવી પ્રવૃત્તિઓ બંધ રાખવી
  • રોજબરોજના કામ ટાળવા – યા વધુ પડતા કામ હાથમાં લેવા
  • નિર્ણય લેવામાં ઢીલ કરતા રહેવું
  • કંકાસ વધે, રાડારાડ થાય અને કોઇ બાજી હાથમાં ના રહે

તમે અમુક ખાનાઓમાં ‘ટીક’ કરી હોય, અને છેલ્લા બે વીક કે એથી વધારે સમય થયા તમારી હાલત એવી જ રહી હોય તો સંભવ છે કે તમને કોઇ પ્રકારનું ડિપ્રેશન હશે. પ્રસૂતિ પછીના થોડા જ વીકમાં કે મહિનામાં આ બન્યું હોય તો તમને પોસ્ટ-નેટલ ડિપ્રેશન જ હશે.

મારે મદદ માગવી જોઇએ?

તમને પોસ્ટ-નેટલ ડિપ્રેશન હોય તો એને ઓળખી એના ઇલાજ માટે મદદ માગવી બહુ જરૂરી છે.

ઘણી વખત માણસો પોસ્ટ-નેટલ ડિપ્રેશનને પારખી જ નથી શકતા. એ બિમારી એવે સમયે આવે છે કે જ્યારે જીવનમાં મહા પરિવર્તન થઇ રહ્યું હોય, અને પ્રસૂતિ થયા પછી શું સામાન્ય કહેવાય કે શાની અપેક્ષા રાખવી એ વિષે સ્ત્રીઓને જાણ નથી હોતી. ક્યારેક આ બિમારી ધીમે ધીમે કીડી વેગે આવે છે અને અમુક સ્ત્રીઓ એને પોસ્ટ-નેટલ ડિપ્રેશન તરીકે ઓળખવાને બદલે પોતાની જ નબળાઇ લેખે છે.

પોસ્ટ-નેટલ ડિપ્રેશનથી પીડાતી ઘણી સ્ત્રીઓ શરમ તથા ક્ષોભ/સંકોચને લીધે બીજાને કહેતા અચકાય છે.

પોસ્ટ-નેટલ ડિપ્રેશન જેમ વહેલું પારખી શકાય એટલું સારૂં, જેથી એનો અસરકારક ઇલાજ કરી શકાય અને તમે પોતે પણ અમુક નક્કર પગલાં લઇ શકો.

યાદ રહે, પોસ્ટ-નેટલ ડિપ્રેશન એક સર્વ-સામાન્ય બિમારી છે અને દર પાંચ સ્ત્રીઓમાંથી એક તો એનો ભોગ બની જ રહે છે. માટે કુટુંબીઓને, હેલ્થ વિઝિટરને તેમ જ ડૉક્ટરને વાત કરો અને મદદ માગો.

પોસ્ટ-નેટલ ડિપ્રેશન કોને થવાનો સંભવ છે?

દરેક જનેતા પોસ્ટ-નેટલ ડિપ્રેશનનો શિકાર બની શકે છે. આમ છતાં, નીચે બતાવેલ કોઇ બાબત લાગુ પડતી હોય તો શિકાર બનવાની શક્યતા વધી જાય છે:

  • આ પહેલા પણ તમને ડિપ્રેશન થઇ ગયું હોય
  • પ્રસવકાળ એકદમ મુશ્કેલ અને કષ્ટદાયક રહ્યો હોય
  • તમારા જીવનસાથી જોડે તમને ખટરાગ ઊભો થયો હોય
  • તમારા જીવનમાં બીજી દુ:સહ ઘટનાઓ પણ બની રહી હોય
  • તમે સમાજમાંથી અળગા થઇ ગયા હો અને તમને મદદ કરી શકે એવું કોઇ પરિવારજન કે મિત્ર ના હોય
  • તમારી પોતાની મા તમારે પડખે ઊભા રહેવા મોજૂદ ના હોય

આમાંની કોઇ બાબત લાગુ પડતી હોય તો પોસ્ટ-નેટલ ડિપ્રેશન થશે જ થશે એવો મતલબ નથી.

પોસ્ટ-નેટલ ડિપ્રેશન શા કારણથી થાય છે?

પ્રસૂતિકાળ એ મહા પરિવર્તન લાવનારો કાળ છે. પ્રસૂતાને જૈવિક, શારીરિક, સામાજિક પરિવર્તન તેમ જ લાગણીઓમાં પરિવર્તનનો અનુભવ થાય છે. આમાંના કોઇ પણ એક કે વધારે કારણથી પોસ્ટ-નેટલ ડિપ્રેશન થઇ શકે છે. આ સમયગાળા દરમ્યાન જીવનમાં બીજા કોઇ દુ:ખદાયી બનાવ બને તો એનાથી પણ આ બિમારી થઇ શકે છે.

જૈવિક પરિવર્તન

શરીરની અંદર અંત:સ્રાવી ગ્રંથીઓમાંથી નીકળતા રસ (હોર્મોન)માં સુવાવડ સમયે ફેરફાર. આ ફેરફાર પણ પોસ્ટ-નેટલ ડિપ્રેશનનું કારણ હોઇ શકે છે. આ કારણમાં વજૂદ હશે, પરંતુ આ બિમારી થવા પાછળ બીજા કારણ પણ સાથે સાથે હોવા જરૂરી છે એ બાબતના પુરાવા મળે છે. તમારી અંગત રહેણીકરણી તથા સામાજિક વાતાવરણ પણ એટલા જ અગત્યના છે.

જો કે, ઍન્ટી-ડિપ્રેસન્ટ યા અન્ય દવાઓથી ફાયદો થશે. ડૉક્ટર સાથે વાતચીત કરો.

શારીરિક પરિવર્તન

પ્રસવકાળ શરીરને થકવી દે છે અને ક્યારેક શારીરિક સમસ્યાઓ ઊભી કરે છે, જેમ કે, ‘સિઝેરિયન’ પદ્ધતિથી સુવાવડ થઇ હોય તો એ શસ્ત્રક્રિયા બાદની પીડા. આમાંથી સાજા થવાનું બધા માટે સહજ નથી. નવજાત બાળકની માગણીઓ સંતોષવા જતાં તમે પોતે વિશ્રામ નહીં કરી શકો, અને જરૂર પ્રમાણે ઊંઘ પણ નહીં થઇ શકે. તમારે બીજા મોટાં બાળકો હશે તો એ નવા આવનાર બાળકની અદેખાઇ કરશે તથા અને તમારો વધુ સમય માગશે. પરિણામે, તમારો થાક વધતો જ જશે.

કદાચ તમારી ભૂખ ઓછી થઇ જાય અને તમે બરાબર ખોરાક ના લઇ શકો. આવું થાય ત્યારે શરીર લગભગ ભાંગી પડે છે.

સુવાવડ પછી શરીરમાં ફેરફાર થાય અને પોતે પોતાના દેખાવને સુંદર રાખવા અર્થે પૂરતો સમય ન કાઢી શકે એટલે અમુક સ્ત્રીઓ સુવાવડ પછી આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે અને પોતાને અનાકર્ષક લેખવા માંડે છે. એથી ઊલટું, અમુક સ્ત્રીઓ પોતે પોસ્ટ-નેટલ ડિપ્રેશન પર વિજય મેળવ્યો છે એમ બતાવવા માટે પોતાના તેમ જ નવજાત બાળકના શારીરિક દેખાવને ખાસ મહત્વ આપે છે. આમ, મનમાં દુ:ખી હોવા છતાં સુખી હોવાનો ડોળ કરવો અને સ્મીત રેલાવતા રહેવું એ પણ શ્રમ માગી લે છે અને શરીરને થકવી શકે છે!

લાગણીઓમાં પરિવર્તન

બાળક અવતરશે ત્યારે જે લાગણીઓનો ઉભરો આવશે એમ ધારેલું હોય એ લાગણીઓ ઘણી વાર સુવાવડી સ્ત્રીઓને થતી જ નથી. બેબીને પ્રથમ વાર હાથમાં લે ત્યારે ‘માતૃ-પ્રેમ’નો પ્રચંડ ધોધ વહે જ એવું બધા કિસ્સામાં નથી બનતું. અમુક સ્ત્રીઓને થાક લાગે છે અને થોડેઘણે અંશે એકલવાયું પણ લાગે છે. આમાં કાંઇ અજુગતું નથી. અમુક માતાઓને બાળક તરફ પહેલી જ નજરે હેત જાગે છે જ્યારે અમુકને ધીરે ધીરે ક્રમે ક્રમે વહાલનો વિકાસ થાય છે.

ખાસ વાત તો એ છે કે પ્રસૂતિ વખતે તમારી ધારણા કરતાં જુદો અનુભવ થાય તો ચિંતા ના કરવી કે હતાશ ના થવું. પ્રસૂતિ બાદ સ્ત્રીઓ વધારે લાગણીશીલ બની જાય છે જ, તેથી જો અમુક બાબત ઘારણા કરતાં ઊલટી પડે તો એને વધારે અકારૂં લાગશે.

સામાજિક પરિવર્તન

બાળકનો જન્મ જીવનમાં ઘણી ઉથલપાથલ મચાવી દે છે. નવજાત બાળકની માગણીઓને કારણે સામાજિક જીવનમાં અને વહેવારમાં કાપ મૂકવા પડે, મા-બાપને આપસમાં ખટરાગ થઇ જાય, અને દંપતિ તરીકે સહચર્ય માણવાનો સમય ના મળે.

હવે તો માણસો પોતાના સગાઓથી દૂર દૂર રહેતા હોય છે એટલે ઘણાં નવા મા-બાપોને પોતાના બાળકના જન્મ વખતે પોતાની એકલતા/અલગતા સાલે છે, અને આવી માતાઓને મદદરૂપ થાય એવું કોઇ એની પાસે નથી હોતું. એમાંય આવી સ્ત્રીને જો પોતાની માતાનો સહારો પણ નહીં હોય તો એને વધારે કઠિન લાગશે. ક્યારેક તો બાજુમાં સગાં-સ્નેહી-મિત્રો હોય તો પણ મદદ માગતા આપણે અચકાશું.

છાપાઓ, મૅગેઝીનો અને ટેલિવિઝન મારફત એમ કહેવાતું હોય છે કે બાળક જણવું એ એક આહલાદક અનુભવ છે, પણ એમાં કેટલી વીસે સો થાય છે એ નથી બતાવાતું. પ્રસારણ-માધ્યમોમાં તેમ જ અન્ય લોકો પાસેથી માતૃત્વ વિષે જે સાંભળ્યું હોય છે તેના ઉપરથી સ્ત્રીઓ ક્યારેક એમ ધારી લે છે કે પ્રસૂતિકાળ એક ‘આનંદદાયી’ કાળ બની રહેશે. એ એમ માની લે છે કે બીજી બધી સ્ત્રીઓ સહજ રીતે અને સહેલાઇથી જન્મ આપે છે અને તરત જ એક આદર્શ માતા બની રહે છે. આવી માન્યતા મનમાં ઘર કરી જાય પછી સ્ત્રી કોઇની મદદ માગતા અચકાય છે.

પણ મહદ્ અંશે, માતૃત્વ અને બાળજન્મ જે લોકવાયકાઓ ચાલી આવે છે તે સત્યથી સાવ વેગળી છે. બાળક જણવામાં ઘણું કષ્ટ પડે છે, અને માતૃત્વ એક નવી ભૂમિકા જ છે. જીવનની અન્ય ભૂમિકાઓની જેમ જ આ ભૂમિકા ભજવવાનું પણ શીખવું પડે છે.

પહેલાના વખતની માતાઓ કરતાં આજકાલની સ્ત્રીઓ પાસેથી ઘણી વધારે અપેક્ષા રખાતી હોય છે. એ કદાચ બહાર કામે જતી હોય, એટલે સહકાર્યકરોથી વિખૂટા પડી ઘરમાં રહેવામાં એને એકલતા લાગતી હશે. કદાચ પાછા કામે ચઢવાનું કરે તો બહારનું કામ તેમ જ શિશુના ઉછેરની બેવડી જવાબદારી એને માટે કષ્ટદાયક બોજ બની શકે છે.

જીવનમાં બનતા દુ:ખદાયી બનાવ

કોઇ સ્ત્રીના જીવનમાં કોઇ દુઃખદાયી બનાવ બની ગયો હોય તો પ્રસવ પછી તેને પોસ્ટ-નેટલ ડિપ્રેશન થવાનો સંભવ વધી જાય છે. દા.ત: અગાઉ કસુવાવડ થઇ ગઇ હોય, પોતાની માતાનો વિયોગ, આર્થિક મુશ્કેલીઓ, રહેણાક/આવાસની તકલીફ. અંતમાં, એટલું યાદ રહે કે તંગદિલીનું મુખ્ય કારણ પરિવર્તન જ છે, અને નવા બાળકના જન્મ જેવું મોટું પરિવર્તન જીવનમાં બીજું કોઇ નથી હોતું.

શેનાથી મદદ મળી રહે?

યાદ રાખો કે મદદ મળી જ રહેશે – અને તમને મદદરૂપ થાય એવા પગલાં તમે પોતે પણ લઇ શકો છો.

પ્રથમ પગલાં

  • કાંઇક ખોટું છે એ વાતનો સ્વીકાર કરો
  • તમારા જીવનસાથી તથા/અથવા કોઇ મિત્ર કે કુટુંબીજન સાથે તમારી લાગણીઓ વિષે વાત કરો
  • તમને સારૂં થશે જ એની ખાત્રી રાખો
  • તમારા હેલ્થ વિઝિટર કે ડૉક્ટરને વાત કરો

... અને ત્યાર બાદ

આપણે જોઇ ગયા કે પોસ્ટ-નેટલ ડિપ્રેશન થવાના અનેક કારણ હોઇ શકે છે. માટે, અનેક જુદા જુદા ઇલાજ/ઉપચાર પણ મદદકર્તા નીવડશે.

દવાદારૂથી ફાયદો થાય કે?

ઍન્ટી-ડિપ્રેસન્ટ નામની દવાઓ કામ આવે ખરી, પણ તમે સ્તનપાન કરાવતા હો તો દવા તમારે માટે અયોગ્ય નીવડશે. ડૉક્ટરને પૂછી જુઓ. ભૂખ ઓછી થઇ જાય, યા અનિદ્રા કે અશક્તિ જેવા શારીરિક લક્ષણો તમને લાગુ પડે તો આ દવા અવશ્ય કામ કરી જાય છે.

ડૉક્ટર તમને ઍન્ટી-ડિપ્રેસન્ટ લખી આપે તો ખ્યાલમાં રાખવું કે આ દવાની અસર બે વીક પછી કે એથી પણ મોડી શરૂ થાય છે. એ દવાના તમે બંધાણી થઇ જશો એમ માનવાને કોઇ કારણ નથી. આમ છતાં, એ દવા લેવાનું અચાનક બંધ ના કરશો. આખો કોર્સ પૂરો કરવો જરૂરી છે, અને એ કોર્સ છ મહિના કે એથી વધારે લાંબી મુદતનો હોય છે. દવાથી તમને ફાયદો થશે એમ ડૉક્ટરને લાગે તો બધાં પાસાઓ વિષે એ તમને સમજણ પાડશે.

મને કોઇ જાતની આડ-અસર થશે?

અમુક લોકોને થાક લાગવો કે મોઢું સુકાઇ જવું જેવી આડ-અસર થાય છે ખરી, પણ આ લક્ષણો થોડા જ વીકમાં અટકી જવા જોઇએ. એ દરમ્યાન પીપરમીન્ટ ચૂસવાથી તેમ જ ઘણું પાણી પીવાથી રાહત રહેશે. આ આડ-અસર કદાચ અપ્રિય લાગશે પણ જે લાભ થશે એ અનેકગણો હશે. ખાસ કરીને, તમે બીજા ઉપચાર કરાવતા હો, જેમ કે, રૂબરૂ વાતચીત દ્વારા ચિકિત્સા, તો ઍન્ટી-ડિપ્રેસન્ટ લેવાથી એ ઉપચાર પણ વધુ અસરકારક નીવડશે. ડૉક્ટર તમારી સાથે વિગતમાં વાત કરશે.

ચિકિત્સાનું શું?

સર્વેક્ષણમાં એમ બહાર આવ્યું છે કે પોસ્ટ-નેટલ ડિપ્રેશનના ઇલાજ માટે વાતચીત વડે જે ઉપચાર થઇ શકે એ ખૂબ જ અસરકારક નીવડે છે. હેલ્થ વિઝિટરને વાત કરવી એ ઉત્તમ માર્ગ છે અને સંભવ છે કે એણે આવા ઉપચારની ખાસ તાલીમ પણ લીધેલી હશે. અથવા, ડૉક્ટર તમને લોકલ દવાખાનામાં કોઇ કાઉન્સેલર પાસે મોકલશે યા કોઇ સાયકોલોજીકલ થેરાપીસ્ટ (મનોવિજ્ઞાન-સંકલિત ચિકિત્સક) યા કોમ્યુનિટી સાયકાયટ્રીક નર્સ પાસે મોકલશે. કાઉન્સેલર તમારા અતીતમાં ડોકિયું કરશે તેમ જ હાલની તમારી લાગણીઓ તથા વિચારધારા ઉપર વિચારણા કરશે.

હું મારી જાતે શું કરી શકું?

તમારી તબિયતને સારી કરી શકે એવા અમુક વ્યવહારૂ પગલાં તમે પોતે લઇ શકો છો.

  • તમારી લાગણીઓને વાચા આપવી જરૂરી છે. કદાચ તમારા જીવનસાથી સાથે વાત કરવી તમને ના ફાવે, પણ જો તમારી લાગણીઓને તમે મનમાં જ સમાવી રાખશો તો તમારા જીવનસાથીને કદાચ એમ લાગશે કે તમારા જીવનમાં એને માટે સ્થાન જ નથી. એમાં ય જો તમારી કામેચ્છા જતી રહેશે તો તો ખાસ; ડિપ્રેશન વખતે માણસોની કામેચ્છા ઓછી થઇ જ જાય છે.
  • રોજ આખો દિવસ એકાંતમાં રહેવાનું ટાળો. મિત્રોને તથા અન્ય માતાઓને મળતા રહેવાની કોશિશ કરતા રહો. જ્યાં બીજી સ્ત્રીઓને મળી શકાય તેવા લોકલ ‘સપોર્ટ ગ્રૂપ’ વિષે તમને હેલ્થ વિઝિટર પાસેથી જાણવા મળશે. અમુક સપોર્ટ ગ્રૂપ એકદમ મદદકર્તા હોય છે. ઉપરાંત, અમુક વોલંટરી સંસ્થાઓ હોય છે ત્યાં તમને વ્યવહારૂ સહારો તેમ જ આત્મીયતા મળી રહેશે (આ પુસ્તિકાના અંતમાં નામ-સરનામા મળશે).
  • કોઇ પણ વ્યવહારૂ મદદ મળે તેનો સ્વીકાર કરો. મદદ માગવામાં શરમ ન રાખવી અને કોઇ મદદ કરે તો તે નિઃસંકોચ સ્વીકારી લેવી. એકદમ ગંભીર ડિપ્રેશનથી પીડાતી સ્ત્રીઓને બાળ-સંભાળ માટે તેમ જ ઘરકામ આટોપવા માટે ખાસ મદદ મળી શકે છે.
  • એકદમ ‘આદર્શ’ ગૃહિણી બનવાની આકાંક્ષા ન રાખો. ઘર ચોખ્ખુંચણક ન હોય તો શું થઇ ગયું? કામનો બોજો જેમ બને એમ ઓછો રાખો.
  • જેટલો વિશ્રામ કરી શકાય એટલો કરો, કેમ કે થકાવટથી ડિપ્રેશન વધારે વણસે છે.
  • તમારો આહાર-ખોરાક પૌષ્ટિક અને સ્વાસ્થ્ય-દાયી રાખો.
  • તમારે પોતાને માટે ફૂરસદનો અવકાશ રાખો. આ વાત કદાચ વાહિયાત લાગશે, પણ બાથ-ટબ ભરીને નિરાંતે સ્નાન કરવાથી, યા બહાર ચાલીને ફરવાથી, યા ફક્ત અર્ધા કલાક જેટલું મૅગેઝીનનું વાંચન કરવાથી પણ તમને ઘણી રાહત થશે.
  • વ્યાયામ/કસરત કરતા રહેવું, એ સારા માટે જ છે.

હું બીજું શું કરી શકું?

આપણા વિચાર, આપણી મનોભાવનાઓ અને તેના ફળસ્વરૂપ આપણી વર્તણૂક, એ બધાં ઉપર ડિપ્રેશનની અસર થાય છે જ, એટલે, અહીં આપેલ ફેરફારો અપનાવવામાં કદાચ મુશ્કેલી પડશે. ગમગીન બનાવી મૂકે એવા વિચાર, આચાર અને મનોભાવનાઓને ડામવા માટે અમુક તરકીબો નીચે આપેલ છે.

૧. રોજ-બરોજ માટેની યોજના ઘડો

ડિપ્રેસ થયેલ માણસોને કોઇ કામ હાથમાં લેવાનું ઊકલતું નથી. રોજ ઊઠીને શું કરવું એનો નિર્ણય એ નથી લઇ શકતા અને ક્યારેક સાવ જરા જેટલું જ કામ પાર પાડે છે.

જો તમને આ સમસ્યા હોય તો પહેલાં બધાં કરવાના કામોની યાદી (લિસ્ટ) બનાવો, અને એના ઉપરથી પછી ક્રમવાર લિસ્ટ – એક્શન પ્લાન – બનાવો. સૌથી સહેલા લાગે એવા કામ પહેલાં આટોપી લો; હદ ઉપરાંત કામ પાર પાડવાની આકાંક્ષા ના સેવો. જેમ જેમ કામ પાર પડતા જાય તેમ તેમ લિસ્ટમાં ટિક (Ö) કરતા જવું. દિવસ પૂરો થાય ત્યારે તમે જોઇ શકશો કે કેટલું કામ તમે પાર પાડ્યું. શરીરને કસરત મળે અને તમે પ્રવૃત્તિમય રહો તેનાથી તમે પણ મૂડમાં આવી જશો. રોજને માટેની યોજનામાં આવી કસરત અને પ્રવૃત્તિને પણ સમાવી લો. મિત્રમંડળ, પરિવાર તેમ જ પાડોશીઓ સાથે હળવામળવાથી પણ લાભ થશે. હળવામળવાનું ફરીથી શરૂ કરવા માટે મદદ અને સહારો તમને ‘ફૅમિલી લીન્ક’જેવી સંસ્થાઓ (આગળ ઉપર ‘મને બીજી વધારે મદદ ક્યાંથી મળી શકે?’ એ વિભાગમાં જુઓ) પાસેથી મળી રહેશે.

બહુ ઊંચી આકાંક્ષા ન રાખશો. પહેલાં જે કામ સરળ લાગતાં તે હવે કઠિન લાગતા હશે. અત્યારની તમારી જે હાલત છે ત્યાંથી જ આરંભ કરો અને ધીરે ધીરે પ્રગતિ કરી પૂર્વવત્ હાલત હાંસલ કરો.

૨. સિધ્ધિઓ અને પ્રસન્નતા

માણસ ડિપ્રેસ થાય ત્યારે પોતાની સિધ્ધિઓ વિષે અને પોતાને આનંદ આપે તેવી બાબતો વિષે ભૂલી જાય છે. વાસ્તવમાં એમની હાલત એ પોતે જે ધારતા હોય છે તેના કરતાં ઘણી સારી હોય છે.

દિવસભરના બનાવોને તમારા ‘એક્શન પ્લાન’માં નોંધી લો. પછી, જે ઘટનાથી તમને આનંદ થયો હોય તેની સામે ‘આ’ લખો અને જેનાથી તમે કોઇ સિધ્ધિ હાંસલ કરી હોય એવું લાગે તેની સામે ‘સિ’ લખો.

વધુ પડતા નિરભિમાની ના બનશો. ડિપ્રેસ થયેલ લોકો પોતાની સિધ્ધિઓ માટેનો યશ પોતે નથી સ્વીકારતા. પહેલાંની તમારી સારી હાલત સાથે અત્યારની હાલતને ના સરખાવો. બલ્કે, જેટલું કાર્ય પાર પડે તે બદલ ખુદને શાબાશી આપો. તમે ડિપ્રેસ થયેલા હો ત્યારે કોઇ પણ કાર્ય કરવું એ એક પડકાર બની રહે છે, માટે જે કોઇ પણ કાર્ય પાર પડે તેને બિરદાવવું જોઇએ, નવાજવું જોઇએ. બની શકે તો રોજ કોઇ એક આનંદદાયી ઘટના/પ્રવૃત્તિ માટે અવકાશ રાખવો. જાતને ખુશ કરો, પંપાળો – એ સારા માટે જ છે.

૩. બદલતી જતી લાગણીઓ અને તેની ઓળખ

બનવાજોગ છે કે પોસ્ટ-નેટલ ડિપ્રેશન વાળી વ્યક્તિના વિચારોમાં ઉદાસી હશે અને એને લીધે એનું મૂડ બરાબર નહીં હોય. કોઇ પણ પ્રકારના ડિપ્રેશનમાં આવી હાલત થઇ શકે છે.

જેનાથી તમને દુઃખ થયું હોય યા ડિપ્રેશન થઇ આવ્યું હોય તેવી તાજેતરમાં બનેલ કોઇ ઘટના ઉપર વિચાર કરો. એના ત્રણ અંગ તમે અલગ પાડી શકશોઃ

કઃ એ ઘટના.

ખઃ એ ઘટના બારામાં તમારા વિચારો.

ગઃ એ ઘટના બારામાં તમારી લાગણીઓ.

ઘણાખરા લોકો આમાંથી ‘ક’ આને ‘ગ’ વિષે જ સજાગ હોય છે. દાખલો જોઇએ.

માનો કે તમારી તમામ કોશિશ છતાં બાળક રડવાનું બંધ ના કરે.

કઃ એ ઘટના – બાળક રડવાનું બંધ નથી કરતું.

ખઃ તમારા વિચારો – મારાથી આ નથી સહેવાતું. મારે બેબીને હચનચાવી નાખવી છે. હું સાવ નકામી માતા છું. એને જણવાની/પામવાની મારી યોગ્યતા જ નથી.

ગઃ તમારી લાગણીઓ/મનોભાવનાઓ – ડિપ્રેસ થવું, પોતાને જ દોષ દેવો.

છે ને ડિપ્રેસ થવા જેવી જ વાત! તમારૂં મન ખાટું થઇ જાય એમાં શી નવાઇ! આ ત્રણ અંગ, ત્રણ તબક્કા વિષે સજાગ રહેવું જરૂરી છે. કારણ કે કોઇ પણ ઘટના વિષે આપણા વિચારોને આપણે બદલી શકીએ છીએ અને તેથી કરીને આપણી મનોભાવના પણ બદલી શકે છે.

૪. સંતુલન

‘સમતોલપણું’ જાળવવું એ પણ એક ઉપયોગી આવડત છે. તમારા મનમાં નકારાત્મક, ટીકાત્મક વિચાર આવે તો સમતુલા જાળવવા માટે તેની સામે કોઇ હકારાત્મક, નિવેદન તમારે પોતાને વિષે કરો. દા.ત.:

“હું માતા તરીકે સાવ જરા પણ યોગ્ય નથી” જેવા વિચારની સામે “મારી હેલ્થ વિઝિટર કહે છે કે હું સુધારા ઉપર છું અને બાળક પણ સારૂં વિકસી રહ્યું છે” એવું કાંઇક કહો.

અલબત્ત, આ કહેવું સહેલું પણ કરવું અઘરૂં છે. મગજમાં નકારાત્મક વિચારો દંડો જમાવી ગયા હોય ત્યારે તેને કાઢવા એ સહેલી વાત નથી, પણ જેમ જેમ વધારે પ્રયત્ન કરશો તેમ તેમ એમાં ફાવટ આવતી જશે.

૫. બે ખાના વાળા કોષ્ટકની તરકીબ

બીજી એક ઉપયોગી તરકીબ આ પ્રમાણે છેઃ તમને જે નકારવાચક વિચારો મગજમાં આપમેળે આવે તેને કોષ્ટકની એક બાજુના ખાનામાં ટપકાવો, અને એની સામેના ખાનામાં કોઇ એવો વિચાર મૂકો જે એની બરોબરી કરી શકે તેવો પણ હકારવાચક હોય. જેમ કેઃ

આપમેળે જાગેલ નકારવાચક વિચાર

એની બરોબરી કરે તેવો હકારવાચક વિચાર

હું કોઇ કામ કરી શકતી નથી – મારૂં ઘર સાવ ઉકરડા જેવું થઇ ગયું છે.

મને કોઇ તકલીફ નથી. ઘર રોજ કરતાં જરા વધારે ગંદુ હોય એમાં કાંઇ ખોટું નથી.

આ પ્રમાણે એક ડગલું આગળ વધીને ડાયરીમાં ઘટનાઓ, લાગણીઓ તેમ જ વિચારોની નોંધ રાખતા રહેવું. એ નોંધ કદાચ નીચે બતાવેલ આકૃતિ જેવું રૂપ લેશે. એમાં જે સૂજાવ વર્ણવેલ છે તેને આધારે, સંતુલન જળવાઇ રહે તેવા વિચારોને આવવા માટે માર્ગ મોકળો કરી આપો. એમાં બતાવેલ છે એવી વિચારધારા કેટલી ભૂલ ભરેલી છે તેનો તાગ મેળવી લો.

ઘટના

મનોભાવના યા લાગણી

મગજમાં આવતા વિચારો

એની બરોબરી કરે, સમતોલપણુ જાળવે, તેવા વિચારો

ઉદાહરણઃ

ક્લિનિકમાં આવેલ અન્ય કોઇ માતાએ મારી અવગણના કરી

હીણતા અને હતાશા

હું એને ગમતી નથી; હું કોઇને ગમતી નથી

એનું ધ્યાન બીજા કશામાં હશે – હું જ નાહક એમ માની લઉં છું કે હું એને ગમતી નથી

૬. વિગતો યાદ રાખવાની કોશિશ કરો

સંશોધનમાં એમ બહાર આવ્યું છે કે ડિપ્રેસ થયેલ વ્યક્તિને કોઇ બનાવની વિગતો યાદ નથી રહેતી પણ એ ફક્ત ઉપરછલ્લી બાબતોનો જ વિચાર કરે છે, જેમ કે, “મને કદી કાંઇ આવડ્યું જ નથી”. વિગતો યાદ રાખવાની ટેવ પાડો, જેથી કરીને જે સારા વાના થયા હોય તે તથા સારા અનુભવો થયા હોય તે ટાંકી શકાય. આને માટે રોજનીશી કામ લાગશે. તમારી સિધ્ધિઓ તેમ જ તમને સારી વ્યક્તિ લેખાવે એવી બાબતો એમાં નોંધતા રહો, જેમ કે “હું હમેશ સમયસર રહું છું”, “મેં મારી સખીને મંગળવારે મદદ કરી હતી”, “ગયા વીકે મારા જીવનસાથીએ મારા કામના ભારોભાર વખાણ કર્યા હતા”.

સંક્ષિપ્તમાં

રોજનું આયોજન, આનંદ તથા સિધ્ધિઓની નોંધ, અને આપમેળે ઊભા થતા વિચારો તથા તેની બરોબરી કરનાર હકારાત્મક વિચારોની રોજની નોંધ – આ બધું તમને ડિપ્રેશન તેમ જ તેની સાથે સંકળાયેલ કુવિચારોથી છુટકારો મેળવવામાં મદદ કરશે.

૭. જટિલ સમસ્યાઓનો ઉકેલ

ગૂંચવણો અને મુશ્કેલીઓ આપણને ક્યારેક મહાત કરી દેતી હોય એવું લાગે છે. એનો એક ઉપાય એ છે કે કોઇ પણ કાર્ય પૂર્ણ કરવા માટે જે જે પગલાં લેવાનાં હોય તેની યાદી બનાવો – અને પછી એક એક કરીને એ પગલાં લેતા જાવ.

તમે ડિપ્રેસ થઇ ગયા હો તો ક્યારેક નાની-શી તકલીફ પણ ઘણી વધારે મુશ્કેલ લાગશે. કોઇ અતિ જટિલ સમસ્યા આવી પડે ત્યારે યાદ કરી જુઓ કે ભૂતકાળમાં એના જેવી સમસ્યાને તમે કેવી રીતે ઉકેલી હતી, અને પછી એ જ તરકીબ અજમાવી જુઓ. યા કોઇ મિત્રને પૂછી જુઓ કે તમારી જગાએ એ હોય તો શું કરે. દરેક વિકલ્પોની – સાવ મૂર્ખાઇભર્યા લાગે તેની પણ –નોંધ કરો. બને એટલો રચનાત્મક અભિગમ રાખો. જેમ જેમ વધારે ઉપાયો જડશે તેમ તેમ એમાંથી સફળતાની ચાવી મળવાની શક્યતા વધારે. દરેક ઉપાયના સૌ જમા-ઉધાર પાસાંઓનો વિચાર કરી જે ઉત્તમ લાગે તે ઉપાયને અમલમાં મૂકો.

૮. ઘર ઘાલી ગયેલ માન્યતાઓ

અમુક લોકોના મગજમાં પોતાને વિષે ટીકાત્મક માન્યતાઓ લાંબા સમયથી ઘર ઘાલી ગયેલ હોય છે – દા. ત. “હું બહુ હોંશિયાર નથી” અથવા “હું કોઇને ગમી શકું એવી નથી”. આવી માન્યતાઓ ભૂતકાળમાં બનેલ કોઇ બનાવને લીધે પેસી જાય છે અને આજની તારીકે એમાં કોઇ તથ્ય પણ નહીં હોય. પોતાની જાતને ઉતારી પાડતી આવી ટીકાખોરીને પડકારો, જાતને નીચાજોણું ના કરાવો અને આવી માન્યતાઓને ઠુકરાવી શકાય એવા પુરાવાની તપાસ કરો.

૯. મને બીજી વધારે મદદ ક્યાંથી મળી શકે?

આશા છે કે આ પુસ્તિકામાં આપેલ મનોયત્નો તથા સલાહનો તમે ઉપયોગ કરશો. એનાથી તમે પોસ્ટ-નેટલ ડિપ્રેશન ઉપર વિજય મેળવવાનું શરૂ કરી શકશો તેમ જ તમારી વિચાર-ધારા ઉપર તથા જીવનના રાહ ઉપર ફરીથી પ્રભુત્વ પામશો.

આમ છતાં, તમને વધારે મદદની જરૂર જણાય તો ફૅમિલી ડૉક્ટર યા હેલ્થ વિઝિટરને મળો. પૂર્વે સૂચવેલ છે તે મુજબ અન્ય ઇલાજ પણ ઉપલબ્ધ છે.

તમને પોતાને યા તમારા બાળકને ઇજા પહોંચાડવાનો તમને ખ્યાલ આવી જાય એટલી હદ સુધી તમારૂં ડિપ્રેશન વધી ગયું હોય તો સત્વરે ડૉક્ટરને મળો. યાદ રાખો કે પોસ્ટ-નેટલ ડિપ્રેશનના ઇલાજ કામયાબ નીવડે છે અને ઘણીખરી વ્યક્તિઓ બહુ ઝડપથી સારી થઇ જાય છે.

મદદ અને સહારો બીજે ક્યાંયથી મળી શકે છે?

નીચે બતાવેલ સંસ્થાઓ તેમ જ ટેલિફોનની હેલ્પલાઇન ઉપયોગી નીવડશે:

(સુગમતા ખાતર નામ-સરનામા અંગ્રેજીમાં રાખેલ છે, અમુક વિગતોનો જ ગુજરાતી અનુવાદ કરેલ છે.)

Association for Post- Natal Illness - for women who are experiencing depression following the birth of their baby:

Association for Post- Natal Illness

25 Jerdan Place

Fulham

London, SE6 1BE.

Tel: 020 7386 0868

ઍસોસિએશન ફોર પોસ્ટ-નેટલ ઇલનેસ

સુવાવડ બાદ ડિપ્રેશન અનુભવતી હોય તેવી સ્ત્રીઓ માટેની સંસ્થા

Mind - The mental health charity

15 - 19 Broadway,

London, E15 4BQ

Tel: 020 8519 2122

email: [email protected]

માઇન્ડ – માનસિક સ્વાસ્થ્યને લગતી ચૅરિટી

Relate – help with marital or relationship problems:

Relate,

Herbert Grey College,

Little Church Street,

Rugby,

Warwickshire

CV21 5AP

Tel: 0845-4561310

www.relate.org.uk

રીલેટ – દાંપત્યજીવન તેમ જ સહજીવનને લગતા સવાલો માટેની સંસ્થા

Samaritans:

Linkline (local rate). Tel: 0345-909090

Confidential support for anyone in a crisis.

Email: [email protected]

સમારીટન્સ – કટોકટી કે અણધારી આવી પડેલ આફત વખતે સહારો આપતી આને ગુપ્તતા જાળવતી સંસ્થા

Family Link:

A befriending Scheme offering support and a practical approach to families with young children in the north east of England.

Tel: 0191 232 3741

ફૅમિલી લીન્ક – ઇન્ગલેન્ડના ઇશાન વિસ્તારમાં નાના બાળકો વાળા પરિવારોને સહારો આપતી તથા વ્યવહારૂ અભિગમ અપનાવતી, મિત્રાતચારી કેળવનાર એક સંસ્થા

Local Organisations - Your Health Visitor or Local GP surgery may be able to give you contact numbers for local organizations able to help.

લોકલ સંસ્થાઓ – તમને મદદ કરી શકે એવી લોકલ સંસ્થાઓના સંપર્ક નંબરો તમારા હેલ્થ વિઝિટર કે ફૅમિલી ડૉક્ટર પાસેથી મળી શકશે.

ઉપરાંત

બાળકને ખાસ માલીશ કરાવી શકશો – હેલ્થ વિઝિટરને પૂછો. આનાથી માતાને તેમ જ બાળકને શાતા વળશે.

બજારમાંથી ખરીદી શકાય યા લાઇબ્રેરીમાંથી માગી શકાય એવા અમુક પુસ્તકો નીચે સૂચવેલ છે. તમને મદદ કરવા ઇચ્છનાર સગાઓ કે મિત્રોને પણ એ પુસ્તકો ઉપયોગી થઇ રહેશે.

(સુગમતા ખાતર બધી વિગતો અંગ્રેજીમાં રાખી છે, ગુજરાતી અનુવાદ નથી કર્યો.)

Cara Aike (2000). Surviving Post Natal Depression. Jessica Kingsley Publishers.

David Burns (1999). Feeling Good, The New Mood Therapy. Penguin. (2nd Edition)

Paul Gilbert (1997) Overcoming Depression. A self help guide using cognitive behavioural techniques. London, Robinson.

Kathy Nairne and Gerrilyn Smith (1994). Dealing with Depression. The Women’s Press.

Dorothy Rowe (1993). Depression: The Way Out of Your Prison. Routledge.

Christine Padesky and Dennis Greenberger. (1995) Mind over mood. London: Guildford Press.

This document was provided by Newcastle, North Tyneside and Northumberland Mental Health NHS Trust and written by Lorna Cameron and Lesley Maunder. www.nnt.nhs.uk/mh/