Skip Navigation | Accessibility

information, advice, guidance and learning materials in community languages

ચીજ-વસ્તુની ખરીદી: તમારા અધિકારો
Buying Goods: Your Rights

Buying Goods: Your Rights

તમારા અધિકાર

કોઇ દુકાનેથી, માર્કેટમાંથી, કેટેલોગમાંથી કે અન્ય કોઇ વેપારી/સોદાગર પાસેથી કોઇ પણ ચીજ-વસ્તુ ખરીદો તે નવી-નકોર હોય કે વાપરેલી (સેકન્ડહેન્ડ) હોય, સંતોષકારક હોવી જ જોઇએ.

સંતોષકારક એટલે શું? આનો નિર્ણય કરવા માટે એ વસ્તુની કિંમત, એનું કેવું વર્ણન કરેલું હતું અને એ વસ્તુ કેટલી જુની છે વિગેરે યથાઉચિત પાસાઓને ધ્યાનમાં લેવાય છે.

આ બધાં પાસાઓનો વિચાર કરતાં, એ લીધેલ વસ્તુને નીચેના મુદ્દા લાગુ પડવા જોઇએઃ

  • જે હેતુથી એ વસ્તુ લીધી હોય એ હેતુ પાર પાડી શકે એવી ક્ષમતા એનામાં હોવી જોઇએ.
  • ઉપરનો દેખાવ સંતોષકારક હોવો જોઇએ.
  • વસ્તુ નાની-મોટી ખામી વગરની હોવી જોઇએ.
  • સલામતીયુક્ત તેમ જ ટકાઉ હોવી જોઇએ.
  • વેચનારે કરેલ વર્ણન યા એના પડીકા/પૅકેટ/ખોખા ઉપર કે લેબલમાં કરેલ વર્ણન મુજબ હોય.

વસ્તુ ખરીદ્યા પછી જો એમાં ખામી દેખાય તો વેચનારને તરત જાણ કરો. જો કે એ ખામી પહેલેથી નજરે ચઢે એવી હોય પણ ખરીદતા પહેલા તમે ના જોઇ હોય, યા ખરીદતા પહેલા તમારૂં ધ્યાન એ ખામી તરફ દોરવામાં આવ્યું હોય છતાં પણ તમે એ વસ્તુ લીધી હોય તો બાદમાં તમે એ વસ્તુને અસંતોષકારક લેખાવી એનો અસ્વીકાર ના કરી શકો.

તમે શું કરી શકો.

કાયદો એમ કહે છે કે તમે વેચનારને જ જવાબદાર લેખી શકો છો, એ દુકાનદાર હોય કે માર્કેટનો સ્ટોલ ચલાવતો હોય તો પણ. વેચનાર જો એમ કહે કે “એ તો બનાવનારનો કે ઉત્પાદકનો દોષ ગણાય” તો એ ચીલાચાલુ બહાનાને રદિયો જ પરખાવો.

પ્રથમ પ્રયાસે જ જો એવો અનુભવ થાય કે એ વસ્તુ કામ નથી કરતી તો તમે એનો અસ્વીકાર કરી તમારા પૈસા પરત માગી શકો છો.

ક્રેડિટ નોટ સ્વીકારવી જ પડે એવું નથી.

તમે એ વસ્તુને રિપેર કરાવવાનું કબૂલ કરો અને પછી એ રિપેર પણ સંતોષજનક ન થાય તો તમે તમારા પૈસા પાછા માગી શકો છો.

વસ્તુ તમને મળી ગઇ છે એમ બતાવતી સહી તમે ડિલીવરી નોટમાં કરી હોય તો પણ એનો અસ્વીકાર કરવાનો તમારો હક્ક યથાવત્ રહે છે.

વસ્તુ ચકાસવાનો મોકો મળે એટલા સમય સુધી તમે એ રાખી હોય યા તો અખતરા રૂપે વાપર્યા બાદ પણ તમે એનો વપરાશ ચાલુ રાખ્યો હોય, અને એ બગડી જાય અથવા બરાબર ના લાગે તો એ વખતે તમે એનો અસ્વીકાર ના નોંધાવી શકો; જો કે, નુકસાની પેટે વળતર માગી શકો.

એ વસ્તુની કિંમત ઘટી જાય, યા એનો વપરાશ કરવાથી કોઇ નુકસાન થાય, યા એને વાપરી ન શકવાથી બીજું કોઇ નુકસાન થાય, તો એ બદલ તમે વળતર માગી શકો છો. મોટે ભાગે એ વળતર તમને મફત રિપેર રૂપે, બદલામાં બીજી કોઇ વસ્તુ રૂપે, યા ચૂકવેલ કિંમતમાં રાહત રૂપે મળશે.

કોઇ પણ વસ્તુની ખરીદી કરો ત્યારે રસીદ મેળવી લેવી અને એને સાચવવી. જો કે, એવું તો નથી કે ક્લેઇમ કરવાનો વખત આવે ત્યારે રસીદ વગર ન ચાલે. એ વસ્તુ તમે ખરીદ કરી એમ તમારા બૅન્કના સ્ટેટમેન્ટ થકી સાબિત થઇ શકે તો ચાલે.

તમે ક્રેડિટ કાર્ડથી કિંમત ચૂકવી હોય તો

રોકડે ખરીદી કરવાને બદલે હપ્તા ઉપર વસ્તુ ખરીદવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સૌથી વધુ પ્રચલિત છે, કેમ કે, ક્રેડિટ કાર્ડ વાપરવાનું ઘણું સહેલું થઇ ગયું છે અને યુ.કે.માં તેમ જ પરદેશમાં મોટા ભાગના વેપારીઓ ક્રેડિટ કાર્ડ સ્વીકારે છે. વસ્તુમાં કાંઇ ખામી હોય તો પરિસ્થિતિ ઉપર પ્રમાણે જ રહે છે.

એક સો પાઉન્ડ સુધીની કે એથી વધારે કિંમતની કોઇ વસ્તુ યા કોઇ વ્યવસાયી સેવા તમે ક્રેડિટ કાર્ડથી યા લોન લઇને ખરીદી હોય અને એમાં કાંઇ ખામી હોય તો તમે ક્રેડિટ કાર્ડ કંપની ઉપર યા તમને લોન આપનાર કપની ઉપર દાવો કરી શકો છો. એક સો પાઉન્ડની ડિપોઝીટ તમે ક્રેડિટ કાર્ડથી ભરો બાકીની રકમ રોકડ ચૂકવી હોય તો પણ આ બાબત લાગુ પડે છે. ચાર્જ કાર્ડ, ડેબિટ કાર્ડ અને સ્વિચ કાર્ડને આ બાબત લાગુ નથી પડતી.

મદદ કરે એવી સંસ્થાઓ

નીચે બતાવેલ વેબસાઇટ ઉપરથી જરૂરી માહિતિ મળી રહેશે.

Http://www.ConsumerComplaints.org.uk

<http://www.consumercomplaints.org.uk/>

Http://tradingstandards.org.uk <http://tradingstandards.org.uk/>

ફરિયાદ કોને કરવી, ક્યાં કરવી એ બાબતમાં પૂછવું હોય તો ‘ઓફિસ ઓફ ફેર ટ્રેડીંગ’ (ઓએફટી) ને નંબર 08457 22 44 99 ઉપર ફોન કરો યા

[email protected]

ઉપર ઇમેઇલ કરો.

This document was provided by Islington Law centre. www.islingtonlaw.org.uk