Skip Navigation | Accessibility

information, advice, guidance and learning materials in community languages

અસાઇલમ માગવા વિશે: હું જ્યારે અરજી કરૂં ત્યારે શું થાય?
Claiming asylum: What happens when I apply?

આ પ્રક્રિયાના તબક્કાઓ હોય છે, અને તમારી અરજી ઉપર કાર્યવાહી ચાલી રહી હોય તે દરમ્યાન ઘણી બિનાઓ બનશે. બધી અરજીઓ માટેની કાર્યવાહી એક સમાન નથી હોતી.

તમારી અસાઇલમ અરજી માટે કદાચ નિ:શુલ્ક કાનૂની સલાહ મળી શકશે.

તમને નિ:શુલ્ક કાનૂની સલાહ માટે પાત્ર ગણ્યા હોય તો પણ ઇન્ટરવ્યૂમાં હાજરી આપવા માટે કાનૂની પ્રતિનિધિ (વકીલ)ના ખર્ચને નહીં આવરી લેવાય. તમે પુખ્ત વયના હો તો ઇન્ટરવ્યૂ વખતે કાનૂની પ્રતિનિધિની હાજરી માત્ર નીચે બતાવેલ સંજોગોમાં જ નિ:શુલ્ક મળી શકશે:

  • તમને ગંભીર માનસિક બિમારી હોય; યા,
  • 'ફાસ્ટ-ટ્રેક' કાર્યવાહી હેઠળ તમને અટકાયતમાં રાખ્યા હોય; યા,
  • સત્તાવાળાઓ એમ માને કે તમે કોઇ અપરાધ કર્યો છે અને પોલિસની ચેતવણી હેઠળ તમારો ઇન્ટરવ્યૂ લેવાતો હોય; યા,
  • સત્તાવાળાઓ એમ માને કે રાષ્ટ્રિય સુરક્ષા માટે તમે જોખમરૂપ છો.

બાળકો જો એકલાં જ હોય તો સામાન્ય રીતે સોશિયલ સર્વિસીસના કે રેફ્યુજી કાઉન્સિલના કોઇ કર્મચારીના સંપર્કમાં મૂકવામાં આવશે.

પ્રથમ ઇન્ટરવ્યૂ

પ્રથમ તબક્કામાં એક ઇન્ટરવ્યૂ લેવાશે; આને સ્ક્રીનીંગ ઇન્ટરવ્યૂ કહે છે. એના થકી તમારી અંગત વિગતો અને તમે યુકેમાં કેવી રીતે આવ્યા તેની નોંધ લેવાય છે. સાથે સાથે અમુક અંશે એ પણ જોવા માટે કે તમને સત્વરે યુકેના એક ‘સલામત ત્રીજા દેશ’ માં મોકલી શકાય કે કેમ જ્યાં તમારી અરજીને હાથમાં લઇ શકાય. ઉપરાંત, તમે જે પાસપોર્ટ કે દસ્તાવેજ ઉપર યુકે સુધીની મુસાફરી કરી તે તમારી પાસે છે કે કેમ તે પણ ચકાસવામાં આવે છે.

આ સ્ક્રીનીંગ ઇન્ટરવ્યૂ સામાન્ય રીતે તમે અસાઇલમ માટે અરજી કરો ત્યારે તરત લેવામાં આવશે. પણ દુભાષિયો શોધવાની જરૂર હોય યા તમારી તબિયત બરાબર ન હોય તો થોડા સમય પછી પણ લઇ શકાય છે.

યુકેમાં તમે મળી શકો એવા કોઇ પરિચિત લોકો હોય તો ઇન્ટરવ્યૂ પહેલા એને બોલાવવાનો આગ્રહ તમે રાખી શકો છો. કોઇ સગું, મિત્ર, સલાહ-કેન્દ્ર, યા કાયદાશાસ્ત્રીનો સંપર્ક કરવાનો તમને અધિકાર છે. દુભાષિયાનો સંવાદ તમને બરાબર સમજાય છે એ પણ ખાતરી કરી લેવી.

આ સ્ક્રીનીંગ ઇન્ટરવ્યૂમાં તમારી અરજીના કારણો વિશે વિગતવાર પ્રશ્નો ના પૂછી શકાય.

ઇન્ટરવ્યૂની નોંધ થાય તો એની કોપી અવશ્ય માગી લેવી.

ઇન્ડકશન

સ્ક્રીનીંગ ઇન્ટરવ્યૂ પછી તમને ‘ઇન્ડકશન’ માટે જવાનું કહેવાશે. આનો અર્થ એક ખાસ કેન્દ્રમાં એક-બે અઠવાડિયા માટે વસવા જવાનું યા દરરોજ ત્યાં હાજરી આપવાનું કહેવાશે. આ કેન્દ્રમાં તમને હોમ ઑફિસ પાસેથી માહિતી મળશે કે તમારી અરજીનું શું થશે, અને યુકેમાંની જીવનશૈલી કેવી હોય છે. તમને કહેવાયું હોય તે સમયે હાજર ન થાવ તો તમારી અરજી નકારવામાં પણ આવે.

અસાઇલમના ઇન્ટરવ્યૂ

સ્ક્રીનીંગ ઇન્ટરવ્યૂ પછી તમારો બીજો વધુ લાંબો અને વિગતવાર ઇન્ટરવ્યૂ લેવાશે જેમાં યુકેમાં અસાઇલમ માગવાના તમારા કારણોને આવરી લેવાશે. તમારી અરજીમાં કોઇ કાયદાશાસ્ત્રીની મદદ તમે લીધી હોય તો તે હાજરી આપી શકે એ પ્રમાણે ઇન્ટરવ્યૂ ગોઠવાશે. જો એ કાયદાશાસ્ત્રી હાજર ના રહી શકે – દા.ત. તમારી પાસે એને ચૂકવવાના નાણાં જ ન હોય એટલે – તો તમે ઇન્ટરવ્યૂ ટેપ કરવાનું કહી શકો છો અને એ ટેપની કોપી માગી શકો છો.

ઇન્ટરવ્યૂથી અગાઉ જો તમને ફોર્મ ભરવાનું ન કહેવાયું હોય તો તમે ઇન્ટરવ્યૂમાં જે માહિતી આપશો તે તમારી અરજીના પાયા રૂપે લેખાશે. ઉચિત કારણ વગર તમે પાછળથી કાંઇ પણ ઉમેરો કે ફેરફાર કરો તો હોમ ઑફિસ કદાચ તમારી વાત નહીં સ્વીકારે. એટલે, ખાતરી કરી લો કે તમે પ્રશ્નોને સમજી શક્યા છો, તેમ જ ઇન્ટરવ્યૂની નોંધની એક કોપી નકલ તમને અપાય એની ખાતરી પણ કરી લો. જેમ બને તેમ જલદી સલાહ માગી લેવી.

ઓળખના દસ્તાવેજ

સ્ક્રીનીંગ ઇન્ટરવ્યુ દરમ્યાન ઇમીગ્રેશન અધિકારીઓ તમારી આંગળીઓના નિશાન (ફીન્ગરપ્રીન્ટ) લેશે. બાળકોના (ખાસ કરીને 12 વર્ષથી નાની વયના બાળકો) ફીન્ગરપ્રીન્ટ લેવાનું કદાચ તેઓ ટાળશે. અસાઇલમના દરેક અરજદાર – બાળકો સહિત – ના ફોટા પાડવામાં આવશે. પછી એ ફોટા વાળો આઇડેન્ટિટી કાર્ડ (ઓળખ પત્ર) તમને આપવામાં આવશે. આ કાર્ડ અસાઇલમ રેજીસ્ટ્રેશન કાર્ડ (ARC)તરીકે ઓળખાય છે, અને તે અગત્યનો છે કેમ કે તમારી ઓળખ અને યુકેમાં હોવાનો તમારો અધિકાર મોટે ભાગે ફક્ત એના થકી જ સાબિત થઇ શકશે. તમે બીજાં જે કાંઇ દસ્તાવેજ લાવો તે ઇમીગ્રેશન સત્તાવાળાઓ લઇને રાખી લેશે, અને તમારો કેસ પૂરો થાય ત્યારે તમને તે પરત કરશે.

ARC માંની વિગતો બરાબર છે તેની ચોકસાઇ કરી લેવી. જો કે, ARCમાં અમુક એવી માહિતી પણ હશે જે ખાસ પ્રકારના ઉપકરણો વડે જ જોઇ શકાય.

તમે ક્યાંથી આવ્યા છો

શરણાર્થી તરીકે તમને એવા કોઇ દેશમાં પરત નહીં મોકલાય જ્યાં જુલમનો ખતરો હોય. તમારી અરજી ઉપર વિચારણા થવી જ જોઇએ અને એ અરજી નકારવામાં આવે તો જ તમને તમારા વતનમાં પરત મોકલી શકાય.

આમ છતાં, તમે બીજા કોઇ દેશમાંથી પસાર થયા હો –થોડી મુદ્દત માટે પણ – અને ‘સલામત ત્રીજો દેશ’હોય તો હોમ ઑફિસ તમને ત્યાં પરત મોકલવાનો પ્રયત્ન કરશે. આમ થાય તો તે તમારી અસાઇલમ અરજીને ધ્યાનમાં નહીં લે. તમારે એ દેશમાં જઇને ત્યાં અસાઇલમ માટે અરજી કરવી પડશે.

એ ‘ત્રીજો દેશ’ હોમ ઑફિસની સલામત દેશોની સૂચિમાં હોય તો તમારી અસાઇલમ અરજી કદાચ નકારી દેવાશે અને તમને પાછા મોકલી દેવાય ત્યાં સુધી તમે અપીલ નહીં કરી શકો. આ સૂચિમાં યુરોપના ઘણાખરા દેશ, તથા કેનેડા અને યુએસએ આવી જાય છે. હોમ ઑફિસ તમને આવા સલામત દેશમાં પરત મોકલવાનું નક્કી કરે તો, એ દેશનિકાલથી તમારા અહીંના માનવ અધિકારોનો ભંગ થઇ રહ્યો છે એ જ કારણથી અને માત્ર એ જ કારણથી તમે યુકેમાં અપીલ કરી શકો છો – પરંતુ આ સાબિત કરવું મુશ્કેલ છે અને તમને અનુભવી/નિષ્ણાત કાનૂની સલાહની જરૂર પડશે.

અટકાયત

યુકેમાં રહેવાની પરવાનગી અગાઉથી જ ના મળેલી હોય અને તમે અસાઇલમ માટે અરજી કરો તો તમને ઇમીગ્રેશન ડિટેન્શન સેન્ટરમાં અટકાયતમાં લેવાશે. નીચે બતાવેલ કોઇ પણ બાબત અટકાયતનું કારણ લગભગ બની શકે છે:

  • તમને ઝડપથી ત્રીજા, સલામત દેશમાં પરત મોકલવાની શક્યતા હોય;
  • અહીં આવવા માટે તમોએ ખોટા દસ્તાવેજ વાપર્યા હોય અને પ્રથમ અહીં પહોંચ્યા ત્યારે એ બાબત કબૂલ ના કરી હોય;
  • તમારો પાસપોર્ટ નષ્ટ કર્યાં પછી પહોંચ્યા હો;
  • ખોટા દસ્તાવેજનો ઉપયોગ પાછળથી કરતાં પકડાય; યા,
  • હોમ ઑફિસ માને કે તમારી અરજી ઉપર બહુ જલદી નિર્ણય લઇ શકાય એમ છે.
  • જો તમને અટકાયતમાં લેવાય તો નીચે બતાવેલ અધિકારો તમે ધરાવો છો:
  • ‘ટેમ્પરરી પ્રવેશ’ના મથાળા હેઠળ તમે છૂટકારો માગી શકો છો, અથવા,
  • યુકેમાં સાત દિવસ કાઢ્યા પછી જામીન ઉપર છૂટકારો માગી શકો છો. ‘જામીન’ નો મતલબ કે નિયત કરેલ સમયે તમે પાછા હાજર ન થાવ તોકોર્ટને તમારે અમુક રકમ ચૂકવવી પડે.

તમને અટકાયતમાં રખાય તો ઇમીગ્રેશન અધિકારીઓએ તમને એના કારણ બતાવવા જોઇએ, એ પણ લેખિતવાર. ઉપરાંત, અટકાયત ચાલુ રાખવાના કારણો સમજાવતી નોટિસ પણ એમણે નિયમિતપણે તમને આપવી જોઇએ.

કદાચ એવું પણ બને કે અટકાયતમાં રાખવાને બદલે તમને અમુક શરતો ઉપર મુક્ત કરવામાં આવે, જેમ કે ઇલેક્ટ્રોનિક ટેગ પહેરવાની શરતે.

તદ્દન વજૂદ વગરના કેસ

હોમ ઑફિસને લાગે કે તમારા કેસમાં ‘કોઇ વજૂદ નથી’ તો તમે અરજી કરો ત્યારે તમને કદાચ અટકાયતમાં લેવાશે. મોટે ભાગે આમ થવાનું કારણ એ જ હોય છે કે તમે જે દેશમાંથી આવ્યાં હો તે હોમ ઑફિસને સલામત લાગતો હોય એટલે એની નજરે સામાન્યત્ તમને આશ્રયની જરૂર ના હોઇ શકે. બીજું કારણ કદાચ એમ પણ હોય કે તમારા પર જૂલમ થવાની શક્યતા હોમ ઑફિસને માનવામાં ન આવતી હોય, તમે ભલે ગમે તે કહેતા હો.

સત્તાવાળાઓ એમ લાગે કે તમારા કેસમાં કોઇ વજૂદ નથી તો તમારી અરજી આવે એટલે તરત તમને ઇમીગ્રેશન ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવશે. તમે અટકાયતમાં હશો તે દરમ્યાન તમારા કેસ ઉપર ખૂબ ઝડપથી નિર્ણય લેવાઇ જશે. અમુક કેન્દ્રોમાં તમારા કેસમાં મદદ કરી શકે એવા કાનૂની સલાહકાર હોય છે. અન્ય સલાહકાર પાસેથી નિ:શુલ્ક કાયદાકીય મદદ નીચે બતાવેલ મુદ્દાને આધારે માગી શકાય:

  • જે સલાહકારને તમે પ્રથમ મળ્યા હો તે જ તમને આ બીજો સલાહકાર ચીંધે; અથવા,
  • ઘણાં લાંબા સમયથી તમને અને તમારા પરિવારને સેવા આપી રહ્યો હોય એવો તમારો પોતાનો કોઇ સલાહકાર હોય.

હોમ ઑફિસ તમારી અરજી નકારે તો અપીલ માટે તમને યુકેમાં રહેવાની છૂટ નહીં મળે. તમને તમારા વતનમાં પરત મોકલવામાં આવશે, અને તમે જાવ પછી તમારી અપીલની કાર્યવાહી ચાલુ રહેશે.

ફાસ્ટ-ટ્રેક કેસ

હોમ ઑફિસને એમ લાગે કે કેસ જલદી પતાવી શકાશે તો એવા અસાઇલમ અરજદારોને ‘રિમુવલ સેન્ટર’માં અટકાયતમાં રખાશે. આમ થાય તો એ અટકાયત એક સપ્તાહ માટે હશે. તમારો કેસ નકારવામાં આવે તો અપીલની કાર્યવાહી માટે અટકાયત બીજા એકાદ સપ્તાહ માટે લંબાવી શકાશે. અમુક કેન્દ્રોમાં તમારા કેસમાં મદદ કરી શકે એવા કાનૂની સલાહકાર હોય છે. અન્ય સલાહકાર પાસેથી નિ:શુલ્ક કાયદાકીય મદદ નીચે બતાવેલ મુદ્દાને આધારે માગી શકાય:

  • જે સલાહકારને તમે પ્રથમ મળ્યા હો તે જ તમને આ બીજો સલાહકાર ચીંધે; અથવા,
  • ઘણાં લાંબા સમયથી તમને અને તમારા પરિવારને સેવા આપી રહ્યો હોય એવો તમારો પોતાનો કોઇ સલાહકાર હોય.

આવા કેસ બહુ જલદીથી પતાવવામાં આવે છે, અને તમે નિર્વાસિત છો એની સાબિતી કે અન્ય માહિતી સમયસર મેળવવાનું મુશ્કેલ હોઇ શકે છે. જેમ બને તેમ જલદી તમારા કાનૂની સલાહકારને એવી તમામ બાબત બતાવી દેવી જોઇએ જેનાથી તમારો કેસ મજબૂત બની શકે.

સ્ટેટમેન્ટ ઑફ એવીડન્સ ફોર્મ (SEF)

તમને કદાચ આવું ‘સ્ટેટમેન્ટ ઑફ એવીડેન્સ’ ફોર્મ (SEF) ભરવા માટે આપવામાં આવશે. આમ થાય તો અસાઇલમ માગવાના કારણો વિગતવાર એમાં જણાવવા. SEF માં જે કાંઇ હશે તેને જ હોમ ઑફિસ તમારી અરજીનું કારણ ગણશે, એટલે, તમારે જે કાંઇ એને બતાવવાનું હોય એ બધું SEFમાં ભરી આપવું જોઇએ. SEFભરતા અગાઉ સલાહ અવશ્ય લઇ લેવી.

SEF ભરીને કાર્યકાળના 10દિવસની અંદર (સાથ/સથવારા વગરનાં બાળકો માટે વધારે મુદત હોય છે) પાછું પહોંચાડી દેવાનું હોય છે. થોડા સપ્તાહ પછી ઇમીગ્રેશન સત્તાવાળાઓ તમને પૂરા ઇન્ટરવ્યૂ માટે કદાચ બોલાવશે. ઇન્ટરવ્યૂમાં તમારી સાથે કાનૂની તેમ જ દુભાષિયો તમે કદાચ રાખી શકશો, પણ એને લગતો ચાર્જ સામાન્ય રીતે કોમ્યુનિટી લીગલ સર્વિસ નહીં ભરે.

તમે SEFસમયસર ભરીને ના પહોચાડો, યા ઇન્ટરવ્યૂમાં હાજર ન થાવ તો સામાન્યત્ તમને અસાઇલમ નકારવામાં આવશે. હોમ ઑફિસ તમારા કેસમાં કદાચ ઊંડા નહીં ઉતરે તમારો ઇન્ટરવ્યૂ પણ નહીં લે. એટલે, નીચેના કોઇ મુદ્દા લાગુ પડતા હોય તો સત્વરે હોમ ઑફિસને જણાવી દેવું:

  • તમે ફોર્મ ના ભરી શકો;
  • જે દસ્તાવેજ માગ્યા હોય તે તમે પ્રદાન ન કરી શકો; અથવા,
  • ઇન્ટરવ્યૂમાં ના જઇ શકો.

વિશેષ સહાય

કોમ્યુનિટી લીગલ સર્વિસ ડાયરેક્ટ

સામાન્ય કાનૂની સમસ્યાઓની શ્રેણી ઉપર જનતાને મફત માહિતી સીધી પૂરી પાડે છે.

0845 345 4 345 પર કૉલ કરો

જો આપને લીગલ એઇડ મળે એમ હોય તો નિષ્ણાત કાનૂની સલાહકાર પાસેથી બેનિફિટ અને ટેક્સ ક્રેડિટ, કરજ, અભ્યાસ, રોજગાર અને આવાસ અંગેની મફત સલાહ પણ મેળવી શકો છો લોકલ કાનૂની સલાહકાર કે વકીલ પણ શોધી શકશો.

વધુ શોધી કાઢવા www.clsdirect.org.uk પર ક્લિક કરો.

એમનેસ્ટી ઇન્ટરનેશનલ

ફોન: ઇંગ્લેન્ડમાં: 020 7033 1500

વેલ્સમાં: 029 2037 5610

www.amnesty.org.uk

ઇમીગ્રેશન લૉ પ્રેક્ટિશનર્સ એસોસીએશન (ILPA)

સહાય ક્યાં મેળવવી એ ઉપર માહિતી માટે, ડાયરેક્ટરી ઑફ મેમ્બર્સ માટે પૂછો કે એમાં જુઓ.

ફોન: 020 7251 8383

www.ilpa.org.uk

ઇમીગ્રેશન એડવાઇઝરી સર્વિસ

www.iasuk.org

ફોન: 020 7967 1200 (હેડ ઑફિસ - વડું મથક)

ઇંગ્લેન્ડ અને વેલ્સ ભરમાં લોકલ સંપર્કની વિગતો માટે વેબસાઇટ ઉપર જુઓ

લૉ સોસાયટી

અસાઇલમ દાવાઓમાં કાનૂની પ્રતિનિધિત્વ કરી શકે એવા વકીલોની વિગતો લૉ સોસાયટી આપને આપી શકે છે.

ફોન: 0870 606 6575

www.solicitors-online.com

નેશનલ અસાઇલમ સપોર્ટ સર્વિસ

ફ્રૅન્ક કોરીગાન, 27 Old Gloucester Streer, Bloomsbury, London, WC1N 3XX

www.asylumsupport.info

ઑફિસ ઑફ ધ ઇમીગ્રેશન સર્વિસીસ કમિશનર(OISC)

ફોન: 0845 000 0046

www.oisc.org.uk

રેફ્યુજી લીગલ સેન્ટર

ફોન: 020 7780 3200

www.refugee-legal-centre.org.uk

‘લીગલ એડવાઇસ ફોર પીપલ હુ આર ડીટેઇન્ડ બાય ધી ઇમીગ્રેશન સર્વિસ’ – એટલે કે ‘ઇમીગ્રેશન ખાતાંએ અટકાયતમાં રાખેલ હોય તેવા લોકો માટે કાનૂની સલાહ’ – નામની એક અન્ય પત્રિકા લૉ સોસાયટી, લૉ સાસાયટી ઑફ સ્કોટલેન્ડ, OISC, CLS અને ILPA દ્વારા તૈયાર કરવામાં આવી છે, અને આમાંની કોઇપણ સંસ્થા મારફત એ મળી શકશે.

લૉ પ્રેક્ટિશનર્સ એસોસીએશન તથા ઇમીગ્રેશન કાનૂનમાં નિષ્ણાત બેરીસ્ટર અને વકીલ માઇક ચેટવિનના સહયોગમાં આ પત્રિકા લખાયેલ છે.

This document was provided by Community Legal Service Direct, April 2006, www.clsdirect.org.uk