Skip Navigation | Accessibility

information, advice, guidance and learning materials in community languages

મુલાકાતી પરિવારજનો
Family Visitors

યુકેમાં વસતા પરિવારજનને મળવા આવવા માટે જેને વિઝા જોઈએ તેવા લોકો માટે આ પત્રિકા છે. એ સમજાવે છે કે અરજી કરતા અગાઉ શું ખ્યાલમાં રાખવું, અરજીનું શું થાય છે અને વિઝા નકારવામાં આવે તો અપીલ કેવી રીતે કરવી. પોતાને અહીં મળવા માટે પરિવારજનોને બોલાવવા માગતા હોય તેવા સ્પોન્સરોને પણ એ ઉપયોગી નીવડશે.

આ પત્રિકાનો પ્રથમ ભાગ અરજીની કાર્યવાહી સમજાવે છે અને વિઝિટ વિઝા માટેના તમામ અરજદારોને લાગુ પડે છે. બીજો ભાગ અપીલ વિશે છે. અપીલ કરવાનો અધિકાર અમુક કુટુંબીજનોને જ હોય છે. કોને કોને આ આ અધિકાર છે તે આ પત્રિકામાં યથાયોગ્ય સ્થાન પર સમજાવવામાં આવશે.

અરજી કરતા અગાઉ

પૂરતો સમય ફાળવો

જે દિવસે તમે અરજી કરો તે જ દિવસે મોટે ભાગે વિઝા આવવામાં આવે છે. પણ ક્યારેક વધારે સમય લાગી શકે છે. તમારી અરજી નકારવામાં આવે અને તમે અપીલ કરો તો વિઝા મળતા અમુક વીકનો સમય લાગી જશે, જો તમારી અપીલ મંજૂર થાય તો. અમારી ભલામણ છે કે તમારે જ્યારે સફર કરવી હોય તેના કરતા કમ-સે-કમ ત્રણ મહિના અગાઉથી અરજી કરવી.

અલબત્ત, ક્યારેક એવું પણ બને કે તાકીદે સફરમાં નીકળવાની જરૂર પડે – દા.ત. કોઈ અતિશય બિમાર આપ્તજનને જોવા માટે. તમને વિઝાની ઉતાવળ હોય તો અમે તમને બનતી મદદ કરશું, પણ બને તેમ વહેલા અરજી કરવાનું રાખશો.

અગાઉથી આયોજન કરો

યુકે આવવાનું શું પ્રયોજન છે એ ચોક્કસ રીતે નક્કી કરો. છ મહિના કે એથી ઓછી મુદત માટે આવવા ઈચ્છનારને વિઝિટ વિઝાની જરૂર પડશે. જો વધારે સમય માટે રોકાવું હોય ( જેમ કે કામે ચઢવા માટે યા લગ્ન કરવા માટે) તો બીજી જાતના વિઝા જોઈશે. તમે વિઝિટ વિઝા માટે અરજી કરી હોય પણ યુકેમાં કામે ચઢવાનો કે સ્થાયી થવાનો ઈરાદો હશે તો તમારી અરજી નકારવામાં આવશે.

યુકેની ઈમીગ્રેશન સિસ્ટમ બારામાં જાણકારી પણ મેળવી લેવી. એક પણ ડગલું ભરતા અગાઉ તમે જેમ વધારે માહિતગાર હશો તેમ તેમ તમને તમારી અરજીનું શું થઈ રહ્યું છે તે સમજવાનું સરળ પડશે. ખાસ તો એ કે ઈમીગ્રેશનના નિયમો અને અરજીની કાર્યવાહી વિશે ઠીક ઠીક ખ્યાલ હોય તો સુગમ રહેશે.

કાનૂની સલાહ લેવા વિશે વિચારી લો. આ પત્રિકા વાંચી લો પછી પણ આગળ શું કરવું એ બાબત શંકા-કુશંકા હોય તો બનવાજોગ છે કે નિષ્ણાતની સલાહ લેવાની તમને જરૂર પડે. સારી સાચી સલાહ ધરપત આપી શકે છે પણ તમારો મામલો સીધો સાદો હોય તો એની જરૂર નહીં પડે. સલાહ લેવાનો નિર્ણય લો તો કોઈ નામાંકિત સલાહકાર પાસે જ જવું.

નિયમોને જાણો/સમજો

નિયમોની પોતાની આગવી પરિભાષા છે, પણ એ નિયમો તમને કેવી રીતે લાગુ પડશે એનો આછો એવો ખ્યાલ તમારે રાખવો જોઈશે. યુરોપિયન ઈકોનોમિક એરિયાના નાગરિકો સિવાય યુકેમાં આવનાર દરેક મુલાકાતીને ઈમીગ્રેશન નિયમોમાંથી 41મો નિયમ લાગુ પડશે જ પડશે.

  • યુકેમાં મુલાકાતે આવવા ઈચ્છનારને નીચેની બાબાતો લાગુ પડશે:

(i) એણે સૂચવેલ મર્યાદિત સમય – 6 (છ) મહિનાથી ઓછી મુદત – માટે જ એ ખરેખર મુલાકાતે આવવા માગે છે; અને

(ii) એણે સૂચવેલ મુદત પૂરી થાય એટલે એ યુકે છોડી જવા માગે છે; અને

(iii) યુકેમાં રોજગાર શરૂ કરવાનો એનો ઈરાદો નથી; અને

(iv) યુકેમાં એ કોઈ ચીજ-વસ્તુનું ઉત્પાદન નહીં કરે કે કોઈ સેવાઓ પૂરી પાડવાનું કામ નહીં કરે, તેમ જ જાહેર જનતામાં કોઇ વસ્તુ કે સેવાઓનો વિક્રય પણ નહીં કરે; અને

(v) સરકારી સ્કૂલમાં અભ્યાસ નહીં કરે; અને

(vi) પોતાની સગવડે અને પોતાના ભંડોળથી અને કામે ચઢ્યા વગર એ પોતાનો તેમ જ પોતાના આશ્રિતોનો સુયોગ્ય રીતે નિર્વાહ કરશે તથા આવાસની વ્યવસ્થા કરશે; અથવા સગા-સંબંધીઓ અને મિત્રમંડળ આ નિર્વાહ અને આવાસ પૂરા પાડશે; અને

(vii) પરત ફરવાનો યા આગળ સફર કરવાનો ખર્ચ પોતે ઉપાડી શકશે.

તમારા પુરાવા-સાબિતી તૈયાર કરો

અરજી કરતા અગાઉ પુરાવા-સાબિતી ભેગા કરો જેથી તમે બતાવી શકો કે આ શરતોનું પાલન તમે કરી શકશો. નીચે બતાવેલ સૂચનો ફક્ત માર્ગદર્શન માટે જ છે. બીજાં અન્ય કાગળિયાં કે દસ્તાવેજો પણ સ્વીકાર્ય હોઈ શકે છે. બધા જ પુરાવા તમારી પાસે ન હોય તો ચિંતા ન કરવી, તેમ જ જો બધા પુરાવા હોય તો પણ એમ ન માનવું કે વિઝા મળશે જ.

ઉપર બતાવેલ નિયમોમાં કલમ(i) થી(v) તમારી મુલાકાત પાછળના કારણ વિશે છે. તમારે પુરવાર કરવું પડશે કે તમે ફક્ત મુલાકાતે જ આવવા ઈચ્છો છો અને તમે જ બતાવેલ મુદત (વધારેમાં વધારે 6મહિના) થી વધારે તમે નહીં જ રહો. એટલે, મોટે ભાગે, તમારે સાબિતી આપવી પડશે કે એવા કયા કારણો છે કે મુલાકાત પૂરી થયા બાદ તમને યુકે છોડવાની ફરજ પડે એમ છે. નીચે નિર્દેશ કરેલ કાગળિયાં તમને એ માટે કામ લાગશે:

  • અમુક ચોક્કસ મુદત માટે જ તમને નોકરીએથી રજા આપવામાં આવી છે એમ બતાવતો એમ્પ્લોયર તરફથી પત્ર. એ એમ્પલોયરને ત્યાં તમારી નોકરી કેટલા સમયથી છે અને તમે શું કામ કરો છો એ પણ એ પત્રમાં હોવું જોઇએ
  • તમે પોતિકા ધંધામાં હો તો તમારી ધંધાકીય પ્રવૃત્તિઓ અને આર્થિક હાલતના પુરાવા
  • તમારા વતનમાં તમારી પોતાની મિલકત હોય તેની સાબિતી
  • તમે વિદ્યાર્થી હો તો તમારી સ્કૂલ કે કોલેજમાંથી પત્ર, જેમાં બતાવ્યું હોય કે તમે કયો કોર્સ કરો છો, એ ક્યારે શરૂ કર્યો અને ક્યારે પૂરો થશે, તથા જે વેકેશનમાં તમે યુકે જવા માગો છો તે વેકેશનની તારીખ
  • તમે જો એમ બતાવી શકો કે પારિવારિક યા સામાજિક સંબંધો અને જવાબદારીઓને લીધે તમારે પાછા ફરવું જ પડે એમ છે તો એ કામ લાગશે
  • મુસાફરી માટે કોઈ ચોક્કસ પાકું આયોજન કરેલ હોય તો તેની વિગત

કલમ (vi) અને (vii) તમારા રોકાણના તેમ જ પાછા વળવાના (યા આગળ સફર કરવાના) ખર્ચને પહોંચી વળવા વિશે છે. તમારી પાસે સાબિતી હોવી જોઈએ કે તમારા યુકેના રોકાણ દરમ્યાન રહેઠાણની સગવડ હશે અને તમામ ખર્ચને પહોંચી વળવા માટે પૂરતા પ્રમાણમાં નાણાં હશે, અથવા તમારા સ્પોન્સર તમને મદદ કરવા સક્ષમ અને સંમત છે. યાદ રહે કે વતનમાં ગુજરાનના ખર્ચની સરખામણીએ યુકેમાં ગુજરાનનો ખર્ચ એકદમ જુદો જ હશે. જો કે, નીચે બતાવેલ કાગળિયાં/દસ્તાવેજો મદદરૂપ થઈ શકે છે:

  • છેલ્લા કેટલાક મહિનાનાં બેન્ક સ્ટેટમેન્ટ
  • તમે ઉપયોગ કરી શકો એવી બચતના પુરાવા
  • તમારા યુકેમાં રોકાણ દરમ્યાન તમારા સ્પોન્સર તમને સહાય કરશે અને તમને રહેવાની જગા આપશે એમ ખાતરી આપતો પત્ર. તમને સહારો આપવાની સ્પોન્સરમાં ત્રેવડ છે એ પણ તમારે સાબિત કરવું પડશે – કદાચ બેન્ક સ્ટેટમેન્ટ અને પગારની કાપલીઓ વડે.

આ સૂચીમાં બધું નથી આવરી લેવાયું, પણ તમારી અરજીના સમર્થનમાં તમને કેવા દસ્તાવેજોની જરૂર પડશે એનો આછો ખ્યાલ આમાંથી મળી રહેશે. ઉપયોગમાં લઈ શકાય એવા બીજા કોઈ કાગળિયાં તમારી પાસે હોય, તો તમારો લોકલ વિઝા વિભાગ તમને જણાવશે કે એ સ્વીકાર્ય છે કે કેમ.

અરજી કરવા વિશે

અરજી કયાં કરવાની

તમે જે દેશના નાગરિક હો અથવા જે દેશમાં વસી રહયા હો ત્યાંના બ્રિટિશ રાજદ્વારી મથકના વિઝા વિભાગમાં વિઝા માટેની અરજી કરવી. ‘બ્રિટિશ રાજદ્વારી મથક’ એટલે મોટે ભાગે બ્રિટિશ એલચીખાતાની કચેરી ગણાય છે; તે બ્રિટિશ એમ્બેસી, હાઈ કમિશન યા કોન્સ્યુલેટ કાર્યાલય હોય છે. અમુક જૂજ મથકોમાં વિઝાની અરજીઓ નથી લેવાતી, પણ એ મથક તમને જણાવી શકશે કે અરજી ક્યાં કરવી. કચેરીના કર્મચારી પાસેથી VAF1 નામનું ફોર્મ માગી લેવું. મુલાકાતીઓ માટે વિઝાની અરજી કરવાનું આ ફોર્મ છે. એ માટે કોઈ ચાર્જ નહીં હોય. યુકેવિઝાસ (એક સરકારી કાર્યાલય)ની વેબસાઈટ www.ukvisas.gov.uk ઉપરથી પણ આ ફોર્મ મળી શકશે. ફોર્મ તેમ જ તેની સાથે આવેલ માર્ગદર્શિકા બારીકાઈથી વાંચી લેવા.

શાની જરૂર પડશે

  • પૂરા ભરેલા ફોર્મની કોપી
  • તમારો પાસપોર્ટ (જે આખી સફર માટે માન્ય હોવો જોઈએ)
  • પાસપોર્ટ સાઈઝના તમારા તાજેતરના ફોટોની બે કોપી
  • જે દેશમાં આ વિઝા કચેરી હોય ત્યાંના લોકલ ચલણમાં વિઝા માટેની ફી (તમારી અરજી નકારવામાં આવે તો પણ એ પરત નહીં થાય).
  • તમને લાગે કે જોવા-તપાસવા યોગ્ય હશે એવા અન્ય દસ્તાવેજો

આ બધાં કાગળિયાં તમે જાતે પહોંચાડી શકો છો. અમુક વિઝા કચેરીઓ ટપાલ મારફત આવતી અરજીઓને પણ સ્વીકારે છે. તમારી લોકલ કચેરી આ પ્રમાણે સ્વીકારશે કે કેમ, અને સિસ્ટમ કેવી રીતે કાર્યવાહી કરે છે એ તમને ત્યાંથી જ જણાવવામાં આવશે.

તમે ફોર્મ મોકલો ત્યારે

તમારૂં ફોર્મ રજૂ કરો ત્યારે તેને ઉપર-ઉપરથી જોઈ લેવામાં આવશે. ત્યાર બાદ:

  • તેઓ અરજી સ્વીકારી લેશે; અથવા
  • અરજી સ્વીકારતા પહેલા તમારી પાસેથી બીજા વધારે કાગળિયાં માગશે. આવું થાય તો એનો મતલબ એમ નથી કે તમને વિઝા નકારવામાં આવ્યા છે, પણ તમે એ કાગળિયાં મેળવો અને રજૂ કરો એમાં જે સમય લાગે તે પ્રમાણે મોડું થતું જશે. જરૂરી કાગળિયાં (ઉપર જુઓ) વિશે અગાઉથી પૂરો વિચાર કરશો તો આ પરિસ્થિતિ ટાળી શકશો. અમુક કેસમાં તમારે અથવા તમારા સ્પોન્સરે ‘સ્પોન્સરશિપ અન્ડરટેકીંગ ફોર્મ’ નામનું ફોર્મ ભરવું પડશે. આમ હશે તો વિઝા કચેરી તમને એ ફોર્મ આપશે અને શું કરવું એ સમજાવશે.

વધારે પૂછપરછ વગર ઘણીવાર નિર્ણય લેવાઈ જાય છે પણ ક્યારેક રીતસરના ઇન્ટર્વ્યૂ લેવાની જરૂર પણ પડે છે.

ઈન્ટર્વ્યૂ

તમને પૂરા ઈન્ટર્વ્યુ માટે બોલાવવામાં આવે તો બીજા દસ્તાવેજો – ઉપર બતાવેલ છે તેવા – લાવવાનું પણ કદાચ કહેવાશે. અમે માગેલ કાગળિયાં તમે અમને આપો એટલે કોઈ ખાતરી નથી થતી કે તમને વિઝા મળી જ જશે, પણ એ જરૂર મદદરૂપ તો નીવડશે જ.

જેમ તમે અરજી કરવામાં પૂર્વતૈયારી કરી (ઉપર જુઓ) એ જ રીતે ઈન્ટર્વ્યૂ માટે પણ પૂર્વતૈયારી કરવી જોઈએ. મુલાકાતે જવાના કારણો વિશે ચોકસાઈ હોવી જોઈએ. પૈસાની શું સગવડ કરી છે અને ક્યાં આવાસ કરશો એ બાબત પણ ચોકસાઈ હોવી જોઈએ. તમારી મુલાકાત પૂરી થાય એટલે યુકે છોડવાની તમને શા માટે ફરજ પડશે એ ખ્યાલ પણ નિશ્ચિતરૂપે મનમાં હોવો જોઈએ.

ઈન્ટર્વ્યૂ વખતે જો તમને દુભાષિયાની જરૂર હશે તો તેની સગવડ કરવામાં આવશે. દરેક સવાલના જવાબ કાળજીપૂર્વક અને પ્રામાણિકપણે આપવા. યાદ રહે કે અમુક સવાલ એકદમ સીધા હશે અને અમુક સવાલ અંગત બાબતો ઉપર પણ હોઈ શકે. કોઈ સવાલ બરાબર ન સમજાય તો કહી દો. કોઈ સવાલનો જવાબ તમારી પાસે ન હોય તો એ પણ કહો. વાતને વણસી જવા ન દેશો અને ઈન્ટર્વ્યૂ લેનાર શું સાંભળવા માગે છે એની અટકળ ન કરશો. તમને બધું ગૂંચવાડાભર્યું લાગે તો ધીરજ ધરો. એ લોકો પણ સમજે છે કે તમે કદાચ ગભરાયેલા/ મૂંઝાયેલા હશો. શાંત ચિત્ત રહો અને યાદ રાખો કે દર દસમાંથી નવ અરજદારને વિઝા મળી જ જાય છે.

એમને લાગે કે ઈમીગ્રેશનના નિયમો (ઉપર જુઓ નિયમ 41) હેઠળ તમે અસ્વીકાર્ય છો તો તમારી વિઝાની અરજી નકારવામાં આવશે. વિઝા અધિકારી એના નિર્ણય પાછળના કારણો તમને લેખિતવાર આપશે. યુકેના કાનૂનમાંની વ્યાખ્યા પ્રમાણે તમને ‘મુલાકાતી પરિવારજન’ ગણવામાં આવે તો તમને અપીલ માટેનું ફોર્મ પણ આપવામાં આવશે તેમ જ એ ફોર્મ ભરવામાં સહાયક થાય એવી માર્ગદર્શિકા પણ તમને મળશે.

વિઝા વિશે માર્ગદર્શન, સલાહ અને માહિતી તમે કોવેન્ટ્રી લૉ સેન્ટરમાંથી પણ મેળવી શકો છો.

લૉ સેન્ટર નિઃશુલ્ક કાનૂની સલાહ આપી શકે છે તેમ જ તમારા વતી પ્રતિનિધિત્વ કરી શકે છે.

અપીલ

અપીલ કેવી રીતે તૈયાર કરવી અને રજૂ કરવી એ બાબતમાં લૉ સેન્ટર તમને સલાહ આપી શકશે, તેમ જ સુનાવણીમાં તમારા વતી રજૂઆત પણ કરી શકશે. ટેલિફોન નંબર 024 7625 3168 ઉપર મગળવારે અને ગુરૂવારે સવારે 10:00 થી 12:00 ની વચ્ચે તમે કોવેન્ટ્રી લૉ સેન્ટરનો સંપર્ક કરી શકો છો યા નિઃશુલ્ક કાનૂની સલાહ માટે ફોન કરી શકો છો.

કોવેન્ટ્રી લૉ સેન્ટર

Coventry Law Centre

The Bridge

Broadgate

Coventry

CV1 1NG

ટેલિફોન નંબર: 024 7622 3053

ચૅરિટી કમિશનમાં કોવેન્ટ્રી લૉ સેન્ટર તરીકે રજીસ્ટર થયેલ: 1087312

ઇંગ્લેન્ડ અને વેલ્સમાં લિમિટેડ કંપની તરીકે રજીસ્ટર થયેલ: 4149673

આ પરિપત્રમાં આપેલ માહિતી સાચી તેમ જ આજની તારીખને અનુરૂપ છે તેની બને એટલી ચોકસાઇ રાખવામાં આવી છે. આમ છતાં, કાયદાની નજરે એને સંપૂર્ણ કે સત્તાવાર ના ગણી શકાય, કાનૂની સલાહ ના કહેવાય, તેની ખાસ નોંધ લેવી. આમાં કોઇ પ્રકારની ભૂલચૂક હોય તેને માટે કે તેનાથી ઉપજતા માઠા પરિણામ માટે અમોને જવાબદાર ના ઠેરવી શકાય. યુનાઇટેડ કિંગ્ડમમાં વસતા યા એના કાયદાઓની અસર તળે આવતાં લોકો માટે જ આ પરિપત્ર તૈયાર કરવામાં આવેલ છે.

This document was provided by Coventry law Centre, www.covlaw.org.uk