Skip Navigation | Accessibility

information, advice, guidance and learning materials in community languages

આપ યુ.કે.માં આશ્રય માગનાર કોઇ મહિલા છો?
Are you a woman seeking asylum in the UK

આશ્રય માગી રહેલ સ્ત્રીઓની મદદ માટે આ પત્રિકા છે.

તમે આશ્રય માગો ત્યારે શું થશે એ આમાં બતાવેલું છે.

હોમ ઓફિસમાં ઇન્ટર્વ્યૂ વખતે શું થશે એ આમાં બતાવેલું છે.

આશ્રય માટેની તમારી માગણી ઉપર નિર્ણય લેવા માટે હોમ ઓફિસ શું શું ધ્યાનમાં લેશે એ આમાં બતાવેલું છે.

હોમ ઓફિસના કર્મચારીઓએ સ્ત્રીઓની આશ્રય માટેની માગણીને કેવી રીતે નીપટાવવી એ માટે હોમ ઓફિસ ખાસ માર્ગદર્શન પૂરૂં પાડે છે. એ માર્ગદર્શનને જેન્ડર ગાઇડન્સ (લિંગ બાબત માર્ગદર્શન) કહે છે. આશ્રય માટેની તમારી માગણી ઉપર વિચારણા કરતી વખતે કર્મચારીઓએ કઇ બાબતો ધ્યાનમાં લેવી એ આ પત્રિકામાં સમજાવવામાં આવ્યું છે. જેન્ડર ગાઇડન્સમાં આપેલ માપદંડો ઉપર એ ખાસ ધ્યાન કેન્દ્રિત કરે છે.

આશ્રય માટેની માગણી

આશ્રય મેળવવાનો તમારો પોતાનો જ અધિકાર હોઇ શકે છે. તમારા પતિ કે પિતા (કે અન્ય કોઇ સંબંધી પુરુષ)ના આશ્રિત તરીકે જ અરજી થઇ શકે એવું નથી. આ બારામાં વિચાર કરવો હોય તો તમારા વકીલ જોડે ચર્ચા કરો.

તમે યુ.કે.માં આશ્રય માગો તો તેના ત્રણ તબક્કા-વાર પગલાં હોય છે.

પહેલો તબક્કો

હોમ ઓફિસમાંના તમારા પ્રથમ ઇન્ટર્વ્યૂને સ્ક્રીનીંગ ઇન્ટર્વ્યૂ કહે છે. એ ઇન્ટર્વ્યૂ એસાયલમ સ્ક્રીનીંગ યુનિટ (સામાન્ય રીતે ક્રોયડન કે લીવરપૂલ)માં લેવામાં આવશે. તમારી તથા તમારા પરિવારની અંગત માહિતી – જેમ કે નામ, સરનામું અને રાષ્ટ્રિયતા – માગવામાં આવશે.

  1. સવારના ૧૧:૦૦ વાગ્યા પહેલા પહોંચી જવું જોઇએ; અને લાંબી પ્રતિક્ષા માટે તૈયાર રહેવું.
  2. તમે હિજાબ પહેર્યો હશે તો ત્યાં ફોટો પાડવા માટે હિજાબ ઉતારવો પડશે.

આ ઇન્ટર્વ્યૂ થઇ જાય પછી તમે રહેઠાણ અને નાણાકીય મદદ માટે એનએએસએસ – NASS – (નેશનલ એસાયલમ સપોર્ટ સર્વિસ)માં અરજી કરી શકો. એમાં મદદ જોઇએ તો તમારા વકીલ, રેફ્યુજી કાઉન્સિલ, રેફ્યુજી એક્શન, રેફ્યુજી એરાઇવલ્સ પ્રોજેક્ટ યા માઇગ્રન્ટ હેલ્પલાઇનનો સંપર્ક કરો.

આ ઇન્ટર્વ્યૂમાં તમને કદાચ એક સેલ્ફ કમ્પ્લીશન ફોર્મ (SEF – એસઇએફ) આપવામાં આવશે, જેમાં તમારે સમજાવવું પડશે કે તમે રેફ્યુજી કન્વેન્શન હેઠળ આંતરરાષ્ટ્રિય સંરક્ષણ (યાને કે આશ્રય) શા માટે માગી રહ્યા છો. આ ફોર્મ ભરવા માટે વકીલની મદદ લેવાનું ઉત્તમ રહેશે. આ ફોર્મ દસ દિવસની અંદર ભરીને મોકલી દેવાનું હોય છે.

બીજો તબક્કો

આના પછી તમને ફુલ એસાયલમ ઇન્ટર્વ્યૂ માટે બોલાવવામાં આવશે (આગળ જુઓ).

ત્રીજો તબક્કો

ફુલ એસાયલમ ઇન્ટર્વ્યૂ પછીના થોડા વીકમાં હોમ ઓફિસ એનો નિર્ણય તમને જણાવશે. તમને આશ્રય નકારવામાં આવે તો એસાયલમ એન્ડ ઇમીગ્રેશન ટ્રાઇબ્યુનલમાં તમે અપીલ કરી શકશો. અપીલમાં મદદ અર્થે તાત્કાલિક વકીલનો સંપર્ક કરી લેવો.

ફુલ એસાયલમ ઇન્ટર્વ્યૂ

ફુલ એસાયલમ ઇન્ટર્વ્યૂમાં તમારા આશ્રયના દાવા અંગે વધારે માહિતી માગવામાં આવશે.

યૌન શોષણ કે અત્યાચારનો ભોગ બનેલ અમુક સ્ત્રીઓ પોતાની કથની બીજી કોઇ સ્ત્રી સમક્ષ વધુ સહજતાથી રજૂ કરી શકશે.

  • તમને જરૂર લાગે તો મહિલા ઇન્ટર્વ્યૂ-કર્તાની માગણી કરી શકો છો.
  • તમને જરૂર લાગે તો મહિલા અનુવાદકની માગણી કરી શકો છો.
  • ઇન્ટર્વ્યૂને ટેપ ઉપર રેકોર્ડ કરી એ ટેપ તમે તમારી સાથે લઇ જઇ શકો એવી માગણી તમે કરી શકો છો.
    (આ અને આવી તમામ માગણીઓ અગાઉથી કરી દેવાનું સલાહભર્યું છે)
  • તમારી ઉપર યૌન આક્રમણ યા અન્ય આઘાતજનક જુલમ થયેલા હોય તો કર્મચારીઓએ ધ્યાનમાં રાખવું જોઇએ કે એકાગ્રતા જાળવવામાં અને યાદ કરવામાં તમને તકલીફ થશે. એણે એ પણ ધ્યાનમાં રાખવું જોઇએ કે તમારી વીતક-કથા બીજા કોઇને કહેવાનું ઘણું અઘરૂં છે. ઇન્ટર્વ્યૂ દરમ્યાન તમને વિરામ કે વિશ્રામ જોઇએ તો તમે માગી શકો છો. ઇન્ટર્વ્યૂમાં તમારી ભાવનાઓ કે લાગણીઓ વિક્ષેપ રૂપ નીવડશે એમ તમને લાગે તો ઇન્ટર્વ્યૂ મુલતવી રાખવાનું કહી શકો છો.
  • ઇન્ટર્વ્યૂ વખતે તમારા બાળકોની સંભાળ માટે બની શકે તો કોઇને કહી રાખવું.
  • તમારો ઇન્ટર્વ્યૂ એકાંતમાં જ થવો જોઇએ, નહીં કે સગાં-સંબંધીઓ કે બાળકોની હાજરીમાં.
  • ઇન્ટર્વ્યૂમાં તમારા વકીલ તમારી સાથે હાજર રહી શકે છે, ખાસ કરીને જો તમારી પરિસ્થિતિ નાજુક હોય તો.

આશ્રય માટેની તમારી માગણી ઉપર નિર્ણય લેતી વખતે હોમ ઓફિસ શું શું ધ્યાનમાં લેશે

જેન્ડર ગાઇડન્સનું કહેવું એમ છે કે તમે આશ્રય માગ્યો હોય તો હોમ ઓફિસના કર્મચારીઓએ નીચે બતાવેલ બાબતો ધ્યાનમાં લેવી જોઇએ:

  • રાજકીય પ્રવૃત્તિને કારણે તમારા પર જોર-જુલમ થયા હોય, ભલે એ પ્રવૃત્તિ સાવ નીચલી કક્ષાની હોય, જેમ કે કોઇને આશરો આપવો કે અન્ન પહોંચાડવું.
  • તમારા પતિ, પિતા કે ભાઇ (કે અન્ય કોઇ સંબંધી પુરુષ)ની રાજકીય પ્રવૃત્તિને કારણે યા તમારી રાજકીય વિચારધારા એમના જેવી જ હશે એ ધારણાથી તમારા ઉપર જોર-જુલમ થયા હોય.
  • સરકારી અમલદારોએ (દા.ત. સેના, પોલિસ) તમારા ઉપર એવા સિતમ ગુજાર્યા હોય જે સ્ત્રીઓને ખાસ અસર કરે, જેમ કે યૌન અત્યાચાર અથવા એવા અત્યાચારની ધમકી.
  • તમારા વતનમાં પહેરવેશને લગતા નિયમો – જેમ કે હિજાબ પહેરવાના – તમે ન પાળો એ માટે તમને સજા કરવામાં આવી હોય.
  • તમારા દેશના કાયદાઓ જ એવા હોય કે સ્ત્રીજાતિ તરફ ભેદભાવ સ્વીકાર્ય હોય (જેમ કે વારસદારી અને બાળ-સંભાળને લગતા કાયદા).
  • તમારા પરિવાર યા સમાજ તરફથી તમને નુકસાન કરવામાં આવ્યું હોય (જેમ કે ઘરેલુ મારપીટ, લગ્નનું દબાણ અથવા ચારિત્ર્યને લગતા અપરાધ) અને સરકારી અમલદારો તમારા સંરક્ષણ માટે પગલા લેવાનું ટાળે યા લેવા માટે અસમર્થ હોય.

તમારી ઉપર આવો કોઇ જુલમ ના થયો હોય પણ એ થવાની તમને ભીતિ હોય તો એ પણ ધ્યાનમાં લેવાની હોય છે.

તમારી ઉપર શું વીત્યું છે અને તમને વતન પાછા મોકલાય તો શું થશે એવી ભીતિ તમને સતાવે છે એ બાબત ઉપર સવિસ્તર અહેવાલ આપવો જરૂરી છે. તમને હોનિ થઇ હોય કે થવાની શક્યતા હોય તો એની પાછળ તમારી ધારણા મુજબ શું કારણ હશે એ જણાવવું જરૂરી છે.

હોમ ઓફિસના કર્મચારીઓએ તમારી અરજી ઉપર નિર્ણય લેતી વખતે સાબિત કરવું જોઇએ કે તમારા મૂળ વતનમાં સ્ત્રીઓના અધિકારો બારામાં માહિતી એણે જોઇ-ચકાસી છે. એને એમ લાગે કે તમારા અસલ સ્થાન પર તમે પાછા જઇ શકો એમ નથી તો તમારા મુલકના અન્ય કોઇ ભાગમાં મોકલવાનું એ સૂચવી શકશે. એ દેશને લગતી માહિતી ચકાસીને એણે ખાતરી કરી લેવી જોઇએ કે દેશના અન્ય કોઇ ભાગમાં તમે સલામતી-પૂર્વક રહી શકશો કે કેમ. એના નિર્ણય સાથે તમે સહમત ના હો તો તમારો વકીલ તમને દલીલ કરવામાં મદદ કરી શકશે.

કાનૂની સલાહ

આશ્રય માગવાની આખી પ્રક્રિયા દરમ્યાન વકીલ પાસેથી કાનૂની સલાહ લેવાની અમારી ભલામણ છે. તમારો વકીલ ઓઆઇએસસી – OISC – (ઓફિસ ઓફ ધી ઇમીગ્રેશન સર્વિસીસ કમિશનર) દ્વારા નિયંત્રણ હેઠળ હોવો જોઇએ. આવક વગરના કે ઓછી આવકવાળાને કાનૂની સલાહ નિઃશુલ્ક આપી શકાય એ અર્થે વકીલને લીગલ સર્વિસીસ કમિશન પાસેથી આર્થિક ભથ્થું મળતું હોય છે. એને લીગલ એઇડ કહે છે. સંરક્ષણ માટે તમે આશ્રય માગ્યો હોય અને એ માગણી વ્યાજબી હોય તો પ્રારંભિક અરજી માટે વકીલ નિઃશુલ્ક સલાહ આપી શકે છે. જો અપીલ થાય અને એ અપીલ સફળ થવાની શક્યતા જણાતી હોય તો એ તબક્કે વકીલ નિઃશુલ્ક સલાહ આપી શકે છે. તમારા વકીલને એમ લાગતું હોય કે તમારો કેસ નબળો છે અને નિષ્ફળ જવાનો સંભવ છે તો તમે બીજા વકીલને પૂછી શકો છો.

તમે આશ્રય શા માટે માગો છો એના તમામ કારણો વકીલે જોઇ જવા જોઇએ. આ પત્રિકામાં આપેલ તમામ બાબતો એણે તમારી સાથે ચર્ચવી જોઇએ, યાને કે - તમારી ઉપર થયેલ જોર-જુલમ, યા એ થવાનો ભય, એ જોર-જુલમના કારણો, તમારા જેવી મહિલાઓને તમારા વતનમાં પ્રશાસન તરફથી મળતું સંરક્ષણ, અને તમારા દેશના અન્ય ભાગમાં સલામતી-પૂર્વક રહેવાની સંભાવના.

તે ઉપરાંત, તમારા વકીલે ખાતરી કરવી જોઇએ કે હોમ ઓફિસના કર્મચારીઓ જેન્ડર ગાઇડન્સને અનુસરી રહ્યા છે.

આ પત્રિકામાં આપેલ કોઇ પણ બાબત ઉપર તમારે સવાલ કરવા હોય તો તમારા કાનૂની પ્રતિનિધિને પૂછો યા નીચે બતાવેલ કોઇ પણ એડવાઇસ લાઇનનો સંપર્ક કરો:

Asylum Aid

એસાયલમ એઇડ

020 7247 8741

Monday 2.00 - 4.30 and Thursday 10.00 -12.30

સોમવારે ૨.૦૦ થી ૪.૦૦ અને

ગુરૂવારે ૧૦.૦૦ થી ૧૨.૩૦

www.asylumaid.org.uk

Immigration Advisory Service

ઇમીગ્રેશન એડવાઇઝરી સર્વિસ

020 7967 1200

Monday 10 - 1.00 and Wednesday 2.00 - 5.00

સોમવારે ૧૦.૦૦ થી ૧.૦૦

બુધવારે ૨.૦૦ થી ૫.૦૦

www.iasuk.org

Refugee Legal Centre

રેફ્યુજી લીગલ સેન્ટર

Free advice service for detainees

અટકાયતીઓ માટે મફતમાં સલાહ

020 7780 3220

0800 592398

Monday, Wednesday, Friday

10.30 - 1.00 and 2.00 - 4.30

સોમવારે, બુધવારે, શુક્રવારે

૧૦.૩૦ થી ૧.૦૦ અને

૨.૦૦ થી ૪.૩૦

www.refugee-legal-centre.org.uk

હોમ ઓફિસના જેન્ડર ગાઇડન્સ વિશે જાગૃતતા લાવવાના અભિયાનના એક અંગ તરીકે એસાયલમ એઇડના રેફ્યુજી વિમેન્સ રિસોર્સ પ્રોજેક્ટ દ્વારા આ પત્રિકા તૈયાર કરવામાં આવી છે.

વધુ માહિતી માટે www.asylumaid.org.uk જુઓ.

જેન્ડર ગાઇડન્સની પૂર્ણ આવૃત્તિનું નામ છે ‘જેન્ડર ઇશ્યુસ ઇન ધી એસાયલમ ક્લેઇમ’ – એ હોમ ઓફિસ તરફથી આશ્રય વિષયક નીતિ બતાવતું આદેશનામું છે જે માર્ચ ૨૦૦૪માં બહાર પાડવામાં આવ્યું હતું. એ નીચે બતાવેલ વેબસાઇટ ઉપર મળી રહેશે.

http://www.ind.homeoffice.gov.uk/ind/en/home/laws___policy/policy_instructions/apis/gender_issues_in_the.html

આ પત્રિકા જૂન ૨૦૦૬માં પ્રકાશિત થઇ ત્યારે એમાં આપેલ માહિતી ખરી અને સત્ય હતી.

This document was provided by Asylum Aid, June 2006, www.asylumaid.org.uk