Skip Navigation | Accessibility

information, advice, guidance and learning materials in community languages

માનવ અધિકાર ધારાની કલમો
The Articles of the Human Rights Act

ધારાની કલમો વિગતવાર

દરેક કલમ અહીં સમજાવવામાં આવી છે. ભૂતકાળમાં એનો કેવી રીતે ઉપયોગ થયો હતો અને માનવ અધિકાર ધારા હેઠળ એનો કેવી રીતે ઉપયોગ થશે એના ઉદાહરણો પણ આપ્યા છે. આમ છતાં, ધ્યાનમાં રાખવું કે આ ફક્ત ઉદાહરણો જ છે, અને કન્વેન્શન હેઠળના અધિકારો ઘણી અન્ય રીતે ઉપયોગમાં લઈ શકાય છે.


કલમ 2: જીવન જીવવાનો અધિકાર
આ કલમ કહે છે કે સરકાર અને જાહેર વહીવટીતંત્રોએ જીવન જીવવાના અધિકારનું સંરક્ષણ કરવું જ જોઇએ. એનો એક અર્થ એવો હોઇ શકે કે કોઇનો જીવ તાત્કાલિક જોખમમાં હોય તો પોલીસે તેને રક્ષણ આપવું જોઇએ. એવો પણ અર્થ થાય કે દર્દીને પોતાનો જીવ બચાવવા જરૂરી સારવાર મળી રહેળી જોઇએ. આ કલમ કહે છે કે ત્રણ પરિસ્થિતિઓ એવી છે જ્યાં સરકાર કે જાહેર વહીવટીતંત્ર કોઇનો જીવ લઈ લે તો તે વાજબી ગણાશે. એ છે:

  • ગેરકાયદે હિંસાનો ભોગ બનતી કોઇ અન્ય વ્યક્તિને એ બચાવી રહ્યા હોય;
  • કોઇની ધરપકડ કરી રહ્યા હોય યા કોઇ અટકાયતી છટકવા જાય તેને રોકવાનો પ્રયત્ન કરી રહ્યા હોય; અથવા,
  • રમખાણો રોકવાના પ્રયાસ કરી રહ્યા હોય.

આવી પરિસ્થિતિમાં કોઇનું મરણ થાય તો સરકાર અથવા જાહેર વહીવટીતંત્રે (સામાન્યપણે પોલીસ) બતાવવું પડશે કે એકદમ જરૂરી હોય તેનાથી વધારે બળનો પ્રયોગ નથી કરાયો. જો આમ ન બતાવી શકે તો એણે કલમ 2 નો ભંગ કર્યો ગણાશે.

કલમ 2 એમ પણ કહે છે કે જ્યારે પોલીસ યા સેના કોઇને મારી નાખે અથવા અટકાયતમાં કોઇ મરણ પામે અથવા જાહેર વહીવટીતંત્રની નિષ્કાળજીને કારણે કોઇ મરણ પામે ત્યારે યોગ્ય તપાસ થવી જોઇએ. આ તપાસ સામાન્યપણે મૃત્યુમીમાંસા (ઇન્ક્વેસ્ટ) રૂપે હોય છે, પણ ક્યારેક સરકાર, પોલીસ યા સેના જાહેરમાં પૂછપરછ હાથ ધરશે. મૃતકના પરિવારને કલમ 2 હેઠળ લીગલ એઇડ (આર્થિક સહાય) પણ કદાચ મળી શકશે જેથી તપાસમાં તેઓ પૂરો ભાગ ભજવી શકે.

બે ખાસ પરિસ્થિતિઓ છે જેને કલમ 2 નથી આવરી લેતી:

  • કોઇ સ્ત્રીને ગર્ભપાત કરાવતી રોકવા માટે એ ન વાપરી શકાય.
  • અસાધ્ય રોગ કે જીવલેણ બિમારી ભોગવી રહેલ વ્યક્તિને મોતને વહાલું કરવા માટે સહાય મેળવવાનો અધિકાર એનાથી નથી મળતો.

કલમ 3: જુલમનો પ્રતિબંધ
આ કલમ કહે છે કે કોઇની ઉપર જુલમ ન થવો જોઇએ, તેમ જ કોઇનું માનભંગ કરે યા અમાનુષિ હોય તેવી સજા આપવાની કે તેવું વર્તન કરવાની મનાઇ ફરમાવે છે. માનવ અધિકારો માટેની યુરોપિયન કોર્ટ એમ કહે છે કે માનભંગ કરે યા અમાનુષી હોય તેવી વર્તણૂક અથવા સજા જો અતિ ગંભીર હોય તો જ કલમ 2 નો ભંગ કર્યો ગણાય. કમ-સે-કમ તે કોઇને છેક ઉતારી પાડે તેવી હોવી જોઇએ.

દેશનિકાલ કરી જ્યાં જુલમ થવાનો સંભવ હોય તેવા દેશમાં લોકોને મોકલવા ઉપર આ કલમ પ્રતિબંધ મૂકે છે, તેમ જ જ્યાં મૃત્યુદંડનો સામનો કરવો પડે એવા દેશમાં જઇને ફોજદારી તહોમતાનામાના જવાબ દેવા માટે પ્રત્યાર્પણ કરવા (મોકલવા) ઉપર પણ પ્રતિબંધ મૂકે છે. નીચે બતાવેલા સંજોગોમાં પણ આ કલમનો ઉપયોગ થયેલ છે:

  • એવા કિસ્સાઓમાં જ્યાં સોશિયલ સર્વિસીસ બાળકોને અતિશય સતામણીથી સંરક્ષવામાં નિષ્ફળ જાય; અને,
  • એવી દલીલ કરવા કે સરકારે શરણાર્થીઓને સરકારી સહાય ટેકાથી વંચિત ન રાખવા કેમ કે એમ કરવાથી એ નિરાધાર થઈ જશે (જીવવા માટે કોઇ સહારો નહીં રહે).

જેલમાં રહેતા તથા હોસ્પિટલમાં રહેતા લોકો જો એકદમ ખરાબ વર્તણૂક પામે અથવા જેલ કે હોસ્પિટલમાંની પરિસ્થિતિ સવિશેષ રીતે બદતર હોય તો તેઓ કલમ 3 નો ઉપયોગ કદાચ કરે.

કલમ 4: ગુલામી અને જબરદસ્તીથી મજૂરીનો પ્રતિબંધ
આ કલમ ગુલામીની મનાઇ ફરમાવે છે, એટલે કે એક વ્યક્તિ બીજા કોઇ ઉપર માલિકી-હક્ક ધરાવે, અથવા જબરદસ્તીથી કોઇને કામે/મજૂરીએ લાગવું પડે.

આમ છતાં, કોઇ જેલમાં હોય ત્યારે એને કરવું પડતું કામ, અથવા સ્વેચ્છાએ સંમત થઇને સ્વીકારેલું કામ આ કલમ હેઠળ નથી આવરી લેવાતા એવી સ્પષ્ટતા એમાં કરેલ છે.

કલમ 5 : સ્વાધીનતા અને સુરક્ષાનો અધિકાર
કેવા સંજોગોમાં કોઇને અટકાયતમાં લેવાય યા એની સ્વતંત્રનાને બાતલ કરાય એ આ કલમ થકી પ્રસ્થાપિત થાય છે. નીચે બતાવેલ અટકાયત એમાં આવરી લેવાઈ છે.

  • લાંબા ગાળાની - જેમ કે તમે જેલમાં હો અથવા માનસિક હોસ્પિટલમાં દર્દી તરીકે રહેવા દબાણ થાય ત્યારે; અને,
  • ટૂંકા ગાળાની - જેમ કે તમારી ધરપકડ થઈ હોય ત્યારે.

કલમ 5 કહે છે કે ક્યારે અને કેવી રીતે લોકોને અટકાયતમાં લઈ શકાય તે અંગે કાયદો સ્પષ્ટ હોવો જોઇએ. તે એવું પણ કહે છે કે નીચે બતાવેલ બાબતો લાગુ પડે તો જ કોઇને અટકાયતમાં લઈ શકાય:

  • તેને ગુનેગાર ઠરાવવામાં આવે અને જેલની સજા થાય;
  • કાયદા મુજબ જે કરવાનું હોય (જેમ કે દંડ ભરવાનો યા ખાધાખોરાકીની રકમ ચૂકવવાની) તે મતલબના કોર્ટના ફરમાનની અવજ્ઞા કરી હોય;
  • એણે અપરાધ કર્યો છે અમે માનવાને સબળ કારણ હોય, યા એને અપરાધ કરતા રોકવા માટે, યા અપરાધ કર્યા બાદ નાસી જતા રોકવા માટે;
  • એને મગજની બિમારી હોય, એ દારૂડિયો હોય, યા અને માદક દ્રવ્યોનું વ્યસન હોય યા કોઇ ચેપી રોગનો ફેલાવો રોકવા માટે એને અટકાયતમાં લેવાની જરૂર પડે;
  • તેમને ગેરકાયદે દેશમાં આવતા અટકાવવા માટે;
  • જેથી તેમને દેશાનિકાલ કરી શકાય અથવા એનું પ્રત્યાર્પણ કરી શકાય (એવા દેશમાં મોકલાય જ્યાં એના ઉપર કોઇ ગુનાનો આરોપ હોય).

18 વર્ષથી નાની વયના લોકોના શિક્ષણ ઉપર દેખરેખ રાખવા માટે અથવા કોર્ટમાં હાજર કરવાનું શક્ય બનાવવા માટે, એમને પણ અટકાયતમાં લઈ શકાય.

જો કે, ઈંગ્લેન્ડ અને વેલ્સનો કાયદો અમુક પ્રકારના લોકોને અટકાયતમાં લેવાની છૂટ આપતો નથી. દાખલા તરીકે, માદક દ્રવ્યોનું વ્યસન કોઇને હોય તો એને અટકાયતમાં લેવા માટેનું એકમાત્ર કારણ એનું વ્યસન ન હોઇ શકે.

જે લોકોની ધરપકડ થઈ હોય કે અટકાયતમાં લેવાયા હોય તેમને કલમ 5 નીચે મુજબના અધિકારો આપે છેઃ

  • એની ધરપકડ શા માટે થઈ છે એ એમને સમજાય એવી ભાષામાં એમને કહેવામાં આવે;
  • કોર્ટ સમક્ષ જલદી હાજર કરવામાં આવે;
  • જામીન (કોર્ટની કાર્યવાહી ચાલી રહી હોય તે દરમ્યાન થોડા સમય માટેનો છૂટકારો; અમુક ચોક્કસ સ્થાને રહેવું કે એવી કોઇ શરતો તમે માન્ય રાખો તો તમને જામીન મળી શકે), સિવાય કે જામીન ન આપવાના સબળ કારણો હોય;
  • વાજબી સમયની અંદર કેસ ચલાવવો;
  • અટકાયત જો ગેરકાનૂની લાગતી હોય તો તેને પડકારવા માટે કોર્ટની કાર્યવાહી કરવી; અને
  • અટકાયત ગેરકાનૂની હોય તો તે બદલ વળતર/નુકસાની.

અટકાયતમાં હોય એવા અમુક લોકોને કલમ 5 અધિકાર આપે છે કે એમની અટકાયતના કારણો ઉપર કોર્ટ યા ટ્રાઇબ્યુનલ (તપાસ પંચ) વખતોવખત ફરીથી નજર નાખે. આમાં માનસિક હોસ્પિટલમાં ફરજિયાત રીતે રહેતા દર્દીઓ આવી જાય છે અને એવા જનમકેદીઓ જેણે એની જનમટીપની સજાનો અગ્ર ભાગ (લાઇસન્સ ઉપર - યાને કે શરતી - છૂટકારો આપવાનો જેલ અધિકારીઓ નિર્ણય કરી શકે એ પહેલાનો અલ્પતમ સમયનો જેલવાસ) પૂરો કરી લીધો હોય, તે પણ આવી જાય છે.

કલમ 6: ન્યાયપૂર્ણ સુનાવણીનો અધિકાર
આ કલમ કહે છે કે દરેકને ન્યાયપૂર્ણ સુનાવણીનો અધિકાર છે, અને સુનાવણી કેવી રીતે ચલાવવી તે અંગે ધારાધોરણો સ્થાપિત કરે છે. તમે કેસ હારી જાવ તો કદાચ માનશો કે તમને ન્યાય નથી મળ્યો, પરંતુ જો ધારાધોરણો ન જળવાયા હોય તો જ કલમ 6 નો ભંગ થયો લેખાશે.

કલમ 6 દીવાની કાર્યવાહી (વ્યક્તિઓ કે સંસ્થાઓની વચ્ચે વિવાદના કેસ) અને ફોજદારી કાર્યવાહી (જ્યારે કોઇએ કરેલ ગુના માટે તેને કોર્ટમાં લઈ જવામાં આવે) બન્નેને લાગુ પડે છે. અમુક ધારાધોરણો ફોજદારી તેમ જ દીવાની બન્ને પ્રકારના કેસમાં લાગુ પડે છે. આ ધારાધોરણો નીચે બતાવેલ અધિકારોને આવરે છે:

  • વાજબી સમયની અંદર સુનાવણી;
  • સ્વતંત્ર, તટસ્થ ન્યાયાધીશ;
  • જાહેર સુનાવણી (જો કે, અમુક સંજોગોમાં, જાહેર જનતાને હાજર રહેવાની છૂટ નથી હોતી);
  • ન્યાયાધીશનો નિર્ણય જાહેર જનતા સુધી પહોંચે; અને
  • ન્યાયાધીશે લીધેલ નિર્ણય પાછળના કારણો જાણવા મળે.

દીવાની કેસમાં, વિવાદનો ઉકેલ લાવવા કોર્ટે ચઢવાના અધિકારનું કલમ 6 સંરક્ષણ કરે છે (જો કે, કેસ કેવો છે તેને આધારે આ અધિકાર કદાચ સીમિત બની રહે). તમે તમારો કેસ રજૂ ના કરી શકો અને વકીલ રાખવો તમને પોસાય એમ ન હોય તો એવા જૂજ કેસમાં કલમ 6 તમને લીગલ એઇડનો અધિકાર કદાચ આપશે.

અમુક સંજોગોમાં, નિર્ણય લેનાર વ્યક્તિ સંપૂર્ણપણે તટસ્થ ના હોય તો પણ કલમ 6 નો ભંગ થયો ગણાશે નહીં (જેમ કે ઘરવિહોણા બારામાં સમીક્ષા કરનાર હાઉઝીંગ ઑફિસર). આનું કારણ એ છે કે એ નિર્ણયની સામે તમે કોર્ટમાં અપીલ કરી શકો છો.

ફોજદારી કિસ્સાઓમાં વધારાના અધિકારો લાગુ પડે છે. તે નીચે મુજબ છેઃ

  • દોષી ઠરાવવમાં ન આવે એ સુધી તમને નિર્દોષ લેખવા;
  • વહેલી તકે તમને જણાવવું કે તમારા પર શાનો આરોપ છે;
  • ચૂપકીદી સેવવાનો અધિકાર - પ્રશ્નોના જવાબ કઢાવવા તમારા પર દબાણ ના કરી શકાય, પરંતુ તમે દોષી છો કે કેમ એ નિર્ણય લેતી વખતે કોર્ટ તમારી ચુપકીદીને કદાચ ધ્યાનમાં લેશે;
  • સ્વબચાવની તૈયારી કરવા માટે પૂરતો સમય;
  • તમને વકીલ રાખવો પોસાય એમ ન હોય અને '''ન્યાયને ખાતર'' વકીલ રોકવાનું આવશ્યક હોય તો લીગલ એઇડનો અધિકાર;
  • તમારી સુનાવણી વખતે હાજર રહેવાનો અધિકાર
  • સુનાવણીમાં તમારા પક્ષની વાત રજૂ કરવાનો અધિકાર;
  • તમારી વિરુધ્ધના મુખ્ય સાક્ષીઓને પ્રશ્નો પુછવાનો તમારો અધિકાર તથા તમારા પોતાના સાક્ષીઓ રજૂ કરવાનો અધિકાર; અને,
  • જો જરૂર પડે તો દુભાષિયા રાખવાનો અધિકાર.

કલમ 7: કાયદા બહારની કોઇ સજા નહીં
આ કલમ કહે છે કે અમુક કૃત્ય ફોજદારી ગુનો ન ગણાતુ હોય તેવે સમયે એ આચરેલું હોય તો એ માટે તમારી ઉપર કેસ ના કરી શકાય અને તમને દોષી ન ગણાવી શકાય. એ એમ પણ કહે છે કે ગુનો કર્યો ત્યારે જે સજાની જોગવાઇ તત્કાલીન કાયદામાં ન હોય તેવી સજા તમને ન કરી શકાય. નીચે બતાવેલ બાબતો લાગુ પડે તેવા કાયદાનો અમલ વીતી ગયેલ સમય માટે સંસદ ના કરી શકેઃ

  • જેના થકી જેલની સજા લંબાવી દેવાય; યા
  • અપરાધ માટે કોઇ નવી સજા, નવા દંડની શરૂઆત થાય.

કલમ 7 એમ પણ કહે છે કે કાયદો સ્પષ્ટ હોવો જોઇએ જેથી લોકો જાણી શકે કે એમનું કૃત્ય કાયદા વિરુધ્ધ છે કે કેમ.

કલમ 8: અંગત અને પારિવારિક જીવનના સંમાનનો અધિકાર
આ કલમ કહે છે કે દરેક વ્યક્તિના અંગત તેમ જ પારિવારિક જીવન, ઘર અને પત્રવ્યવહાર માટે સંમાન હોવું જોઇએ.

‘અંગત જીવન’ માં શું શું સમાવિષ્ટ છે એની કોઇ સંપૂર્ણ વ્યાખ્યા નથી, જો કે એ ખાનગીપણાને મળતું આવે છે એ નીચે મુજબના અધિકારોને આવરી લે છેઃ

  • દખલગીરી વગર તમારૂં જીવન જીવવાનો અધિકાર;
  • વ્યક્તિત્વનો વિકાસ કરવાનો અને અન્ય લોકો સાથે મિત્રતા અને સંબંધો કેળવવાનો અધિકાર;
  • લિંગ-પ્રવૃત્તિ માણવાનો અધિકાર; અને
  • તમારા શરીર ઉપર તમારૂં પોતાનું વર્ચસ્વ રાખવાનો અધિકાર.

લોકો તેમ જ સંસ્થાઓ તમારા અંગેની માહિતીનો સંચય અને ઉપયોગ કેવી રીતે કરે છે એ બાબતને પણ આ કલમ આવરી લે છે.

'પારિવારિક જીવન' નો અર્થ છે તમારા નિકટના પરિવારજનો સાથેનો તમારો સંબંધ. અપરિણિત સ્ત્રીપુરુષ જો એકમકેના થઈને સાથે જીવન જીવી રહ્યા હોય તો તે પણ પરિવારની વ્યાખ્યામાં આવી જાય છે. જો કે, સમાન-લિંગી યુગલને સ્ટ્રાસ્બર્ગની કોર્ટે પરિવાર તરીકે હજુ સુધી માન્ય નથી કર્યું.

'તમારૂં ઘર' એટલે તમે અત્યારે જ્યાં રહો છો તે. ઘર માટે સંમાનના અધિકારનો અર્થ એમ નથી થતો કે તમે ઘરવિહોણા હો તો તમને ઘર મળવું જ જોઇએ, અથવા હાલમાં તમારૂં જે ઘર હોય તેના કરતાં ચઢિયાતી કક્ષાનું ઘર તમને મળવું જોઇએ.

'તમારો પત્રવ્યવહાર' નો અર્થ છે તમારા ટેલિફોન કોલ અને પત્રો તમે જ ઇમેલ. પોલીસ અથવા ગુપ્તચર સંસ્થાઓ લોકોના ટેલિફોન ‘બગ’ કરે (ટેલિફોનમાં થતી વાતચીત છૂપી રીતે સાંભળવા માટે એમાં એક ખાસ ઉપકરણ મૂકે) તે સામે કલમ 8 નો ઉપયોગ કરી લોકોએ પડકાર ફેંકેલા છે.

કલમ 8 એક 'મર્યાદિત અધિકાર' છે. એનો અર્થ કે અમુક સંજોગોમાં સરકાર કે જાહેર વહીવટીતંત્ર એની મર્યાદા બાંધી શકે અથવા હસ્તક્ષેપ કરી શકે. સરકારે કે જાહેર વહીવટીતંત્રે એ બતાવવું પડશે કે આવી મર્યાદા બાંધવા પાછળ કે હસ્તક્ષેપ કરવા પાછળ સ્પષ્ટ, કાયદાકીય આધાર હતો. એના પગલા કલમ 8 ના છ લક્ષ્યાંકોમાંથી એકને અનુસરતા હોવા જોઇએ. આ લક્ષ્યાંકોમાં ગુનાઓ રોકવાનું અને અન્યોના અધિકારો સંરક્ષવાનું આવી જાય છે. એણે એ પણ બતાવવું પડશે કે અધિકારનો ભંગ કરવો એ 'જરૂરી અને પ્રમાણસર’નું હતું (એટલે કે એ પગલાની પાછળ સબળ કારણ હતું અને જરૂર કરતાં વધારે આગળ પગલા ભરાયા નહોતા).

કલમ 8 નો ઉપયોગ ઘણાં કેસમાં થયો છે, જેમ કેઃ

  • 'ગે' પુરુષોએ માંડેલા કેસ, જેના થકી એવા કાયદાઓ નાબૂદ કરવામાં આપ્યા જે 'ગે' પુરુષોને સંભોગ કરવામાં પ્રતિબંધ કરતા હતા. સંભોગ માટે સહમતિ આપવાની ઉંમર મર્યાદા 'ગે' પુરુષો માટે હવે અન્યો જેટલી જ છે;
  • બાલ્યાવસ્થામાં સરકારી સંભાળ હેઠળ હતો તેવા એક માણસે એની સંભાળને લગતી નોંધણીઓ અને અહેવાલો મેળવવા માટે કલમ 8 નો ઉપયોગ કર્યો હતો;
  • એક મહિલા પોલીસ અધિકારીના કામના ટેલિફોનને ''ટેપ્'' કરવા (ઉપકરણો ગોઠવી ફોનમાંની વાતચીત છૂપી રીતે સાંભળવા) બદલ તેણીએ પોતાના ઉપરી અધિકારી ઉપર દાવો માંડ્યો જે સફળ થયો.

કલમ 9: વિચારધારા, સારાસાર-બુદ્ધિ અને ધર્મમાં સ્વતંત્રતા
આ કલમ બાંયધરી આપે છે કે તમે ચાહો તેમ વિચારી શકો છો અને કોઇ પણ ધાર્મિક માન્યતા/આસ્થા ધરાવી શકો છો. કોઇ ખાસ ધર્મ જ અનુસરવાની જબરદસ્તી તમારા ઉપર ના થઈ શકે અને તમારે ધર્મ બદલવો હોય ત્યારે તમને રોકી ના શકાય. સારાસાર-બુદ્ધિની સ્વતંત્રતા એવા લોકોને પણ લાગુ પડે છે જે વનસ્પતિજન્ય આહારના ચુસ્ત આગ્રહી હોય યા શાંતિવાદી હોય. તમારો ધર્મ કે આસ્થા આચરવાના તેમ જ તેને વ્યક્ત કરવાના અધિકારને પણ કલમ 9 સંરક્ષે છે.

કલમ 9 એક 'મર્યાદિત’ અધિકાર છે, એટલે અમુક સંજોગોમાં એનો ભંગ શક્ય છે. એનો અર્થ કે અમુક સંજોગોમાં સરકાર કે જાહેર વહીવટીતંત્ર એની મર્યાદા બાંધી શકે અથવા હસ્તક્ષેપ કરી શકે. સરકારે કે જાહેર વહીવટીતંત્રે એ બતાવવું પડશે કે આવી મર્યાદા બાંધવા પાછળ કે હસ્તક્ષેપ કરવા પાછળ સ્પષ્ટ, કાયદાકીય આધાર હતો. એના પગલાં કલમ 9 ના ચાર લક્ષ્યાંકોમાંથી એકને અનુસરતા હોવા જોઇએ - દાખલા તરીકે, અન્યોના અધિકારોના સંરક્ષણ માટે. એણે એ પણ બતાવવું પડશે કે એ પ્રતિબંધ યા હસ્તક્ષેપ 'જરૂરી અને પ્રમાણસર’નાહતા (એટલે કે એ પગલાની પાછળ સબળ કારણ હતું અને જરૂર કરતાં વધારે આગળ પગલાં ભરાયા નહોતા).

કલમ 10 : અભિવ્યક્તિની સ્વતંત્રતા
અન્ય લોકોને માહિતી પહોંચાડવાનો તેમ જ અન્ય લોકો તમને માહિતી આપવા માગતા હોય તે માહિતી મેળવવાનો તમારો અધિકાર આ કલમથી સુરક્ષિત બને છે. મંતવ્યો અને વિચારો ધરાવવાના અધિકાર તેમ જ તેને વ્યક્ત કરવાના અધિકારને પણ આ કલમ સુરક્ષિત રાખે છે. કલમ 9 હેઠળના અધિકારને આ કલમ મળતી આવે છે, પરંતુ જે મંતવ્યો અને માન્યતાઓ કલમ 10 થકી સંરક્ષણ પામે છે તેનું ક્ષેત્ર ઘણું વધારે વ્યાપક છે.

પત્રકારો તમે જ છાપાં તથા સામયિકોના પ્રકાશકો કલમ 10 નો ઉપયોગ કરી એવી દલીલ કરી શકે કે તેઓ જે કોઇ પણ વિષય ઉપર લખે તેમાં તેમને કોઇ જાતના પ્રતિબંધ ના હોવા જોઇએ. કલાકારો અને લેખકો એમના કાર્ય ઉપર નિયંત્રણ લાદવા માગતા લોકોનો પ્રતિકાર કરવા આ કલમનો ઉપયોગ કરી શકે છે.

કલમ 10 એક 'મર્યાદિત અધિકાર' છે. એનો અર્થ કે અમુક સંજોગોમાં સરકાર કે જાહેર વહીવટીતંત્ર એની મર્યાદા બાંધી શકે અથવા હસ્તક્ષેપ કરી શકે. સરકારે કે જાહેર વહીવટીતંત્રે એ બતાવવું પડશે કે આવી મર્યાદા બાંધવા પાછળ કે હસ્તક્ષેપ કરવા પાછળ સ્પષ્ટ, કાયદાકીય આધાર હતો. એના પગલા કલમ 10 ના આઠ લક્ષ્યાંકોમાંથી એકને અનુસરતા હોવા જોઇએ, જેમાં નીચે બતાવેલ સૌ લક્ષ્યાંકો આવી જાય છે:

  • ગુના રોકવા;
  • નૈતિક મૂલ્યોની જાળવણી;
  • અન્ય લોકોના અધિકારો યા પ્રતિષ્ઠાઓનું સંરક્ષણ; અને
  • ખાનગી માહિતીનું સંરક્ષણ.

એણે એ પણ બતાવવું પડશે કે એ હસ્તક્ષેપ 'જરૂરી અને પ્રમાણસર'નો હતો (એટલે કે એ કરવા પાછળ સબળ કારણ હતું અને જરૂર કરતાં વધારે આગળ પગલાં ભરાયા નાહોતા).

કલમ 11 : સંગઠન રચવાની અને સભા ભરવાની સ્વતંત્રતા
સભાઓ ભરીને તેમ જ દેખાવો યોજીને શાંતિપૂર્વક વિરોધ દર્શાવવાના અધિકારને આ કલમ સંરક્ષે છે. આનો અર્થ એ પણ થાય કે સભા ભરનારા અને દેખાવો યોજનારા લોકોને, એમની આ પ્રવૃત્તિઓ રોકવાના પ્રયાસ કરનાર લોકો સામેથી રક્ષણ આપવા માટે પોલીસે કદાચ પગલાં ભરવા પડે.

રાજકીય પણ કે અન્ય કોઇ જૂથ રચવાનો કે એમાં જોડાવાનો અધિકાર, તેમ જ કોઇ ટ્રેડ યુનિયનના સભ્ય બનવાનો અધિકાર કલમ 11 થકી સુરક્ષિત છે. પરંતુ ટ્રેડ યુનિયનમાં જોડાવાનો અધિકાર પોલીસ કર્મચારીઓ, સૈનિકો, અને સરકાર માટે કામ કરનાર અમુક સમુદાયોને બાકાત રાખે છે. કોઇ ટ્રેડ યુનિયનમાં ના જોડાવાનો અધિકાર પણ કલમ 11 થકી સુરક્ષિત છે.

કલમ 11 એક 'મર્યાદિત અધિકાર' છે. એનો અર્થ કે અમુક સંજોગોમાં સરકાર કે જાહેર વહીવટીતંત્ર એની મર્યાદા બાંધી શકે અથવા હસ્તક્ષેપ કરી શકે. સરકારે કે જાહેર વહીવટીતંત્રે એ બતાવવું પડશે કે આવી મર્યાદા બાંધવા પાછળ કે હસ્તક્ષેપ કરવા પાછળ સ્પષ્ટ, કાયદાકીય આધાર હતો. એના પગલા કલમ 11 ના પાંચ લક્ષ્યાંકોમાંથી એકને અનુસરતા હોવા જોઇએ, જેમાં અંધાધૂંધી અને ગુનાઓ રોકવાનું તથા અન્ય લોકોના અધિકારો સંરક્ષવાનું આવી જાય છે. એણે એ પણ બતાવવું પડશે કે એ અધિકારનો ભંગ થયો તે ‘જરૂરી અને પ્રમાણસર’નું હતું (એટલે કે એ પગલાની પાછળ સબળ કારણ હતું અને જરૂર કરતાં વધારે આગળ પગલાં ભરાયા નહોતા).

દેખાવો ઉપર પોલીસ આજની તારીખે પ્રતિબંધ મૂકી શકે છે યા એની મનાઇ ફરમાવી શકે છે. જો એમ લાગે કે આ પ્રતિબંધ બહુ વધારે પડતા અને બિનજરૂરી છે તો લોકો કલમ 11 નો ઉપયોગ કરી તેને પડકારી શકે છે.

કલમ 12 : વિવાહ કરવાનો અને પરિવાર રચવાનો અધિકાર
આ કલમ ઉમરલાયક સ્ત્રીઓ અને પુરુષોને પરણવાનો અધિકાર આપે છે. પરંપરા એવી રહી છે કે આમાં સમાન લિંગના યુગલો અને લિંગ-પરિવર્તિત લોકો (જેમણે લિંગ પરિવર્તન કરાવ્યું હોય તેવા લોકો) નો સમાવેશ નથી થતો. જો કે, સ્ટ્રાસ્બર્ગની તેમ જ ઈંગ્લેન્ડ અને વેલ્સની, એ બન્ને કોર્ટમાં તાજેતરમાં સ્થાપિત થયું છે કે લિંગ-પરિવર્તિત લોકો તેમની નવી લિંગ-જાતિ (પરિવર્તન બાદની લિંગ જાતિ)ને અનુરૂપ લગ્ન કરવાનો અધિકાર ધરાવે છે, અને આ નિર્ણયને પગલે પગલે હવે કાયદો બદલવામાં આવ્યો છે.

બની શકે કે 'પરિવાર રચવા' નો અધિકાર ફક્ત વિવાહિત લોકોને જ લાગુ પડે. જો એમ હોય તો અવિવાહિત લોકોએ બાળકો ધરાવવાનો અધિકાર મેળવવા માટે કલમ 8 હેઠળ પારિવારિક જીવનના સંમાનના અધિકારને આધારે દલીલ કરવી પડશે.

કલમ 14 : ભેદભાવ ઉપર નિષેધ
આ કલમ ઘણા પ્રકારના ભેદભાવને આવરી લે છે જેમાં નીચે બતાવેલ કારણોને લીધે થતા ભેદભાવ પણ આવી જાય છે:

  • લિંગ;
  • જાતિ/વર્ણ;
  • ધર્મ; અને
  • રાજકીય મંતવ્ય.

જો કે આ કલમ માત્ર આ જ કારણો પૂરતી સીમિત નથી, અને માનવ અધિકારો માટેની યુરોપની કોર્ટે સ્વીકાર્યું છે કે નીચે બતાવેલ કક્ષાના લોકોને નડતો ભેદભાવ પણ આવરી લેવાયો છે:

  • અનૌરસ (અવિવાહિત માતાપિતાનું સંતાન);
  • અવિવાહિત;
  • કેદી; અથવા
  • 'ગે' કે લેસ્બિયન.

બની શકે છે કે કોર્ટ એ વાતનો સ્વીકાર કરે કે કોઇ વ્યક્તિ ડિસેબલ્ડ હોવાને કારણે તેના તરફ થતા ભેદભાવને આ કલમ આવરી લે છે. અન્ય કોઇ કારણથી પણ ભેદભાવ થયો છે એવી દલીલ તમે કરી શકો છો, પરંતુ સંભવ છે કે તમારે બતાવવું પડે કે એ ભેદભાવ 'વ્યક્તિગત લાક્ષણિકતા' સાથે સકળાયેલો છે.

ભેદભાવ સામે કલમ 14 સર્વસાધારણ અધિકારો નથી આપતી. કન્વેન્શનની અન્ય કલમ સાથે સંકળાયેલ હોય તેવા ભેદભાવ સામે જ એનો ઉપયોગ થઈ શકે. દાખલા તરીકે, એક 'ગે' પુરુષે જોયું કે તેના સાથીદારના અવસાન બાદ તેને ફલેટનો ભોગવટાહક્ક મળી શકે છે, પણ સાથીદાર કોઇ સ્ત્રી હોવાથી જે શરતે મળે તેના કરતાં ઉતરતી શરતે. એનો આવાસ જોખમમાં હતો એટલે એણે કલમ 8નો ઉપયોગ કર્યો. ત્યાર બાદ એણે કલમ 14 નો ઉપયોગ કર્યો કેમ કે તેની લૈંગિકતાને લીધે એની સામે ભેદભાવ થયો હતો.

ઘણી વાર એવું બને છે કે બેનિફિટની ચૂકવણીમાં ભેદભાવ થયો હોય તેવા લોકો કલમ 14ની સાથે સાથે, પ્રથમ પ્રોટોકોલની કલમ 1 નો ઉપયોગ કરે છે.

ભલે તમે બતાવી શકો કે તમારી સામે ભેદભાવ થયો છે અને એ ભેદભાવ અન્ય કલમ સાથે સંકળાયેલો છે, તો પણ સરકાર અથવા જાહેર વહીવટીતંત્ર કદાચ દલીલ કરી શકશે કે એ ભેદભાવ વાજબી હતો. પરંતુ, એણે બતાવવું પડશે કે તમારી તરફ પક્ષપાતિ વર્તણૂંક કરવા પાછળ સબળ કારણ હતું અને એમનાં પગલાં પ્રમાણસરનાં જ હતા (જરૂરથી વધારે આગળ પગલા ભરાયા નહોતા).